ભારતમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ, મિસાઈલ-ડ્રોન તોડીને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પાક. અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યાર બાદથી પાકિસ્તાને આજે એટલે કે ગુરૂવાર રાત્રે ફરી ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોન-મિસાઈલ તોડી પાડ્યા હતા. તો બીજી બાજુ પાકિસ્તાનના આ હુમલાના પ્રયાસ બાદ ભારતે જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ, પાકિસ્તાન સરહદને અડેલા ભારતના રાજ્યો ઍલર્ટ પર છે. પાકિસ્તાન તરફથી હુમલાનો પ્રયાસ થતાં જ જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બ્લેક આઉટ કરાયું હતું અને સાયરન વગાડવામાં આવી હતી. અહીંના લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. બીજી તરફ પાકિસ્તાને પોતાના મોટા ઍરપોર્ટ બંધ કરી દીધા છે. પાકિસ્તાની હુમલાના પ્રયાસમાં ભારતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
સાંબા જિલ્લામાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ
BSF જમ્મુએ X પર માહિતી આપતા લખ્યું કે, 8 મે, 2025ના રોજ રાત્રિના 11 વાગ્યે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંબા જિલ્લામાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ કરાયો છે.
ભારતીય એર ડિફેન્સે નૌશેરામાં બે ડ્રોનને તોડી પાડ્યા
ભારતીય વાયુસેનાએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરામાં બે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા. અહીં બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે.
પાકિસ્તાની હુમલાના પ્રયાસમાં કોઈ જાનહાનિ નહીં: ભારતીય સંરક્ષણ મંત્રાલય
ભારતીય સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુરમાં સૈન્ય સ્ટેશનો પર ડ્રોન તથા મિસાઇલથી હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ તરત જ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી હુમલાનો પ્રયાસ નિષ્ફળ કર્યો. કોઈ પણ ભૌતિક નુકસાન કે જાનહાનિની સૂચના નહીં.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે એર ઈન્ડિયા દ્વારા તમામ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે કે મુસાફરીના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જવું. ફ્લાઇટની ઉડાનના 75 મિનિટ પહેલા ચેક-ઈન બંધ કરી દેવામાં આવશે. આ સિવાય અકાસા એર, સ્પાઈસજેટ અને ઈન્ડિગો એરલાઇન્સ કંપનીઓ દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરાઇ છે.
ડો. એસ. જયશંકરે અમેરિકન વિદેશમંત્રી સાથે કરી વાત
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ટ્વિટ કરી કહ્યું છે કે, ‘આજે સાંજે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત થઈ છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહકાર આપવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે સરહદ પારના આતંકવાદ સામે ભારતના લક્ષિત અને સંતુલિત પ્રતિક્રિયા પર ભાર મૂક્યો છે. તણાવ વધારવાના કોઈપણ પ્રયાસનો સખત જવાબ આપવામાં આવશે.’
ભારતના 5 સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ
પાકિસ્તાને અત્યાર સુધી ભારતના 5 સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને પઠાણકોટ, ઉધમપુર, કઠુઆ, સાંબા અને કાલૂ ચાકમાં સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો, જેણે ભારતીય સેનાએ તોડી પાડ્યા છે. જમ્મુ યુનિવર્સિટીની પાછળના ગેટ નજીક ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ ડ્રોન તોડી પાડ્યા છે. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.
પાકિસ્તાનના ફાઈટર જેટ તોડી પડાયાના અહેવાલ, સત્તાવાર પુષ્ટિ નહીં
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાઈટર જેટ પણ તોડી પાડીને દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવી દેવાયો હતો. જો કે, તેની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.
ભારતની 4 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ
પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસના પગલે ભારતની 4 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવાઈ છે. S-400, L-70, ZSU-23 અને શિલ્કા એર ડિફેન્સ સિસ્ટમ હાલ તૈનાત કરી દેવાઈ છે. પાકિસ્તાનના ડ્રોન એટેકને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં ઇન્ટરસેપ્ટ કરી રહી છે, એટલે કે ભારતની મિસાઇલ સિસ્ટમ આ ડ્રોનને આકાશમાં જ તોડી પાડી રહી છે. ભારતનું કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ ઍલર્ટ છે. હાલ, સરહદ પર IL-17 એર ડિફેન્સ ગન પણ તૈનાત કરી દેવાઈ છે. સુરક્ષા એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે, જમ્મુ ઍરપોર્ટ, સાંબા, આરએસ પુરા, અરનિયા અને પાડોશી વિસ્તારોમાં પાકિસ્તાનથી 8 મિસાઇલો છોડવામાં આવી અને તમામને S-400 દ્વારા તોડી પડાઈ છે. પોખરણમાં ભારતે S-400થી પાકિસ્તાનની 8 મિસાઇલ તોડી પાડી છે. જોકે, તેની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.