ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, માઉન્ટ આબુમાં બ્લેક આઉટ માટે દિશા-નિર્દેશ જાહેર

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આગામી 15 મે સુધી કોઇપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે ગાઇડલાઇનનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરી છે. 

ભારત અને પાકિસ્તાન ચાલી રહેલા તણાવની સ્થિતિને જોતાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 15 મે સુધી કોઈપણ કાર્યક્રમ કે આયોજનમાં ફટાકડા કે ડ્રોનને મંજૂરી આપવામાં આવશે નહીં. 

માઉન્ટ આબુમાં બે દિવસ બ્લેક આઉટ જાહેર

તો બીજી તરફ રાજસ્થાનના જેસલમેર સહિતના ઘણા સરહદી વિસ્તારોમાં આગામી 15મી મે સુધી લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત માઉન્ટ આબુમાં આગામી 9 અને 10 મે દરમિયાન રાત્રે 7 થી 8 દરમિયાન બ્લેક આઉટ માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત સહિતના અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓને રાત્રિના 7 વાગ્યા પહેલાં પોતાના હોટલમાં પરત ફરવા અને લાઇટો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. 

વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.’