ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી ટ્રેનો રદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી એલર્ટ છે. તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂજ-અમદાવાદ-ભૂજ, ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભૂજ-રાજકોટ-ભૂજ ટ્રેનો રદ કરવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર પોસ્ટ કરીને રદ કરવામાં આવેલી ટ્રેનોની માહિતી આપવામાં આવી હતી. જેમાં ભૂજ, ગાંધીનગર, રાજકોટ રૂટની પાંચ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રદ કરવામાં આવેલી ટ્રેનો
Train No. 94801 અમદાવાદ-ભૂજ નમો ભારત રેપિડ રેલ (9 મે 2025)
Train No. 94802 ભૂજ- અમદાવાદ નમો ભારત રેપિડ રેલ (10 મે 2025)
Train No. 22483 જોધપુર-ગાંધીધામ સુપરફસ્ટ એક્સપ્રેસ (9 મે 2025)
Train No. 22484 ગાંધીધામ-જોધપુર સુપરફસ્ટ એક્સપ્રેસ (10 મે 2025)
Train No. 09446/09445 ભૂજ-રાજકોટ-ભૂજ સ્પેશિયલ ટ્રેન (10 મે 2025)
ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
ગુજરાત સરકાર દ્વારા આગામી 15 મે સુધી કોઇપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે ગાઇડલાઇનનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરી છે.
માઉન્ટ આબુમાં બે દિવસ બ્લેક આઉટ જાહેર
તો બીજી તરફ રાજસ્થાનના જેસલમેર સહિતના ઘણા સરહદી વિસ્તારોમાં આગામી 15મી મે સુધી લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત માઉન્ટ આબુમાં આગામી 9 અને 10 મે દરમિયાન રાત્રે 7 થી 8 દરમિયાન બ્લેક આઉટ માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત સહિતના અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓને રાત્રિના 7 વાગ્યા પહેલાં પોતાના હોટલમાં પરત ફરવા અને લાઇટો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.