પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

ભૂજથી કાશ્મીર સુધી સરહદ પર પાકિસ્તાનનો ડ્રોન-મિસાઈલ હુમલો નિષ્ફળ, ભારતના અવકાશી કવચે પાક.ને હંફાવ્યું
– ઓપરેશન સિંદૂરનો બીજો દિવસ: નેવીનો પણ મિસાઈલ હુમલો: ભારતે પાક.ના એફ-16 અને બે જેએફ-17 ફાઈટર જેટને ભોંય ભેગા કર્યા, ભારતીય સૈન્ય પીઓકેમાં ઘૂસ્યાના અહેવાલ
– જમ્મુ, પઠાણકોટ, જેસલમેરમાં ભારતે પાકિસ્તાની મિસાઈલ-ડ્રોનનો કચ્ચરઘાણ કાઢ્યો: ભૂજથી જમ્મુ સુધી સરહદે બ્લેકઆઉટ
– ભારતના 12 ડ્રોન હુમલામાં ચાર સૈનિકોને ઈજા થઈ: પાકિસ્તાની સરકારના રોદણાં
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને બુધવારે મોડી રાતે સરહદ પર ભૂજથી કાશ્મીર સુધી ૧૫ સ્થળો પર મિસાઈલ હુમલાનો પ્રયત્ન કર્યો હતો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ નિષ્ફળ બનાવ્યો હતો. આ નિષ્ફળતાથી બોધપાઠ લેવાના બદલે પાકિસ્તાને ગુરુવારે સાંજે ફરી એક વખત જમ્મુ, પઠાણકોટ, જેસલમેર સહિતના શહેરો પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલાને પણ એસ-૪૦૦એ નિષ્ફળ બનાવ્યો હતો. આ સાથે ભારત પર હુમલો કરવા આવેલા પાકિસ્તાનના એફ-૧૬ અને બે જેએફ-૧૭ સાથે કુલ ત્રણ ફાઈટર જેટને ભારતીય એરફોર્સે તોડી પાડયા હતા. ભારતે કાઉન્ટર એટેક કરતા લાહોર, ઈસ્લામાબાદ, સિયાલકોટથી લઈને કરાચી સુધીના શહેરો પર મિસાઈલ, ડ્રોન એટેક કર્યા હતા. બીજીબાજુ ભારતીય સૈન્ય પીઓકેમાં ૬૦ કિ.મી. અંદર ઘૂસી ગયું હોવાના પણ અહેવાલ છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસારન ખીણમાં પ્રવાસની મઝા માણી રહેલા નિર્દોષ હિન્દુઓની નામ પૂછીને હત્યા કરવાના આતંકીઓના ક્રૂર અત્યાચાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાદળો મંડરાયા હતા, જે હવે વાસ્તવિક બની ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને ગુરુવારે સાંજે જમ્મુ, પઠાણકોટ, જેસલમેર સહિતના શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ આ હુમલો નિષ્ફળ કરતા પાકિસ્તાનના ફાઈટર જેટ ભારત પર હુમલો કરવા આવ્યા હતા. જોકે, ભારતીય એરફોર્સે એફ-૧૬ અને બે જેએફ-૧૭ સહિત કુલ ત્રણ ફાઈટર જેટને ભોંય ભેગા કર્યા હતા.
પાકિસ્તાનના હુમલા સામે કાઉન્ટર એટેક કરતા ભારતે ગુરુવારે સાંજે લાહોર, ઈસ્લામાબાદ, સિયાલકોટમાં મિસાઈલ અને ડ્રોન એટેક કર્યા હતા. ભારતે પૂર્વીય પાકિસ્તાનમાં આવેલા પેશાવર પર પણ મિસાઈલ હુમલા કર્યા હતા. ભારતનું એક મિસાઈલ ઈસ્લામાબાદમાં વડાપ્રધાન શાહબાઝ શરિફના ઘરથી માત્ર ૨૦ કિ.મી. દૂર ખાબક્યું હતું. પાકિસ્તાન ભારતના કોઈ હુમલાને ખાળી શક્યું નહોતું. વધુમાં ભારતીય નેવીએ આઈએનએસ વિક્રાંત પરથી કરાચી પર મિસાઈલમારો કર્યો હતો. બીજીબાજુ ભારતીય આર્મીએ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની આર્મી પર આક્રમણ કર્યું અને પીઓકેમાં ૬૦ કિ.મી. અંદર ઘૂસી ગયું હોવાના પણ અહેવાલ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આ સ્થિતિના પગલે ભૂજથી જમ્મુ સુધીની સરહદ પર બ્લેકાઉટ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં તંત્રને હાઈ-એલર્ટ પર રખાયું છે. અનેક રાજ્યોમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.
અગાઉ પાકિસ્તાને બુધવારે મોડી રાતે સરહદ પર ભૂજથી કાશ્મીર સુધી ૧૫ સ્થળો પર અને ગુરુવારે સાંજે જમ્મુમાં એરપોર્ટ, સાંબા સહિતના કેટલાક વિસ્તારો પર મિસાઈલ હુમલાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ પાકિસ્તાનના આ તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાનની તોડી પડાયેલી મિસાઈલોનો કાટમાળ એકત્ર કરાઈ રહ્યો છે, જે પાકિસ્તાની હુમલાનો પુરાવો આપશે.
બીજીબાજુ પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવતા ભારતે જવાબી ડ્રોન હુમલો કરતાં ગુરુવારે સવારે લાહોર સહિત પાકિસ્તાનના ત્રણ શહેરોમાં ડ્રોન એટેક કરી તેની ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એમક્યુ-૯નો નાશ કરી નાંખ્યો હતો.
પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરના બે દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગુરુવારે બે દિવસની અત્યાર સુધીની બધી વિગતો પ્રેસને શૅર કરી હતી. કર્નલ સોફિયાએ કહ્યું કે, ભારતના ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનના કોઈપણ સૈન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા નથી. સાથે જ ભારપૂર્વક કહ્યુ ંકે, ભારત કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહી કરતું નથી. તેણે માત્ર આતંકી સ્થળોનો નાશ કરીને પહલગામમાં આતંકી હુમલાનો બદલો લીધો છે. પરંતુ પાકિસ્તાન ઉશ્કેરણીજનક કૃત્ય કરીને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવશે તો તેને તેટલી જ તિવ્રતાથી જવાબ અપાશે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, આ સિલસિલો ૨૨ એપ્રિલે પહલગામના હુમલાથી શરૂ થયો છે. ભારતનો રિસ્પોન્સ સંપૂર્ણપણે સંયમિત છે. અમે તણાવને વધારવા માગતા નથી. અમારા બધા જ ટાર્ગેટ એકદમ ચોક્સાઈપૂર્વક પસંદ કરેલા હતા અને માત્ર આતંકી સ્થળો પર જ હુમલો કરાયો હતો. ભારતે ગુરુવાર ેસવારે પાકિસ્તાનમાં કેટલાક સ્થળો પર તેના એર ડિફેન્સ રડાર્સ અને સિસ્ટમ્સનો નાશ કર્યો હતો. ભારતનો પ્રતિભાવ પાકિસ્તાન જેટલી જ તિવ્રતાથી અને સમાન ક્ષેત્રમાં રહ્યો છે. અમને વિશ્વનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતના હુમલામાં લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ થઈ ગયો છે.
દરમિયાન પાકિસ્તાને ગુરુવારે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પોતાને પીડિત બતાવવાનો પ્રયત્ન કરતા રોદણા રોયા હતા. પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ડીજી-આઈએસપીઆર)ના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ શરીફ ચૌધરીએ ગુરુવારે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનમાં વિવિધ સ્થળો પર ૧૨ ડ્રોન હુમલા કર્યા હતા. લાહોરમાં ભારતના ડ્રોન હુમલામાં તેના ચાર સૈનિકોને ઈજા પહોંચી છે. પાકિસ્તાનના સૈન્યે ભારતના ૧૨ ડ્રોનને તોડી પાડયા છે. જોકે, પાકિસ્તાનના આ દાવાઓને નિષ્ણાતો પ્રોપેગેંડાનો ભાગ ગણાવે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પોતાને પીડિત બતાવવાનો પ્રયત્ન ગણાવે છે. જોકે, તેના દાવાના પુરાવારૂપે પાકિસ્તાન કોઈપણ તૂટેલા ડ્રોનને બતાવવામાં નિષ્ફળ રહ્યું છે.
પાક.નો બુધવારે રાતે આ શહેરો પર હુમલો
પાકિસ્તાની સૈન્યે બુધવારે મોડી રાતે ભૂજ, ઉત્તરલાઈ, ફલોદી, નાલ, ચંડીગઢ, ભટિન્ડા, આદમપુર, લુધિયાણા, જાલંધર, કપુરથલા, અમૃતસર, પઠાણકોટ, જમ્મુ, શ્રીનગર અને અવંતિપુરા પર હુમલો કર્યો હતો.