ભારત-પાક તણાવ વચ્ચે સેનાને દારૂગોળો પૂરો પાડતી ફેક્ટરીઓમાં રજાઓ રદ, કર્મચારીઓને તાત્કાલિક કામ પર પાછા ફરવા આદેશ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ચાંદા અને મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા (OFK) ખાતે કામ કરતા તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે હવે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ચાંદા અને મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા (OFK) ખાતે કામ કરતા તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે દેશભરમાં સંરક્ષણ તૈયારીઓ વધી ગઈ છે. ઓર્ડનન્સ ફેક્ટરી ચંદાએ જાહેર કરેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ આદેશ મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ (MIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના નિર્દેશો હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવે છે અને બધા કર્મચારીઓ માટે કોઈપણ વિલંબ વિના ફરજ પર હાજર થવું ફરજિયાત છે. આદેશમાં જણાવાયું છે કે, બધા કર્મચારીઓએ આ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય જરૂરિયાતો અનુસાર ફરજ પર હાજર રહેવું અને અવિરત હાજરી અને યોગદાન સુનિશ્ચિત કરવું જરૂરી છે. પરિપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મુક્તિ ફક્ત અત્યંત જરૂરી સંજોગોમાં જ આપવામાં આવશે.

જબલપુર સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા (OFK) માં બે દિવસથી વધુ સમયના અધિકારીઓ અને કર્મચારીઓની રજા પણ શુક્રવારે રદ કરવામાં આવી છે. OFKના PRO અવિનાશ શંકરે કહ્યું કે, આ નાણાકીય વર્ષ માટે અમારું લક્ષ્ય ખૂબ મોટું છે અને અમે એપ્રિલ મહિનામાં લક્ષ્યાંકિત ઉત્પાદન પ્રાપ્ત કરી શક્યા નથી. આ પરિસ્થિતિને ભરપાઈ કરવા માટે અમને મુખ્ય મથક તરફથી રજાઓ રદ કરવાની સૂચનાઓ મળી છે જેથી અમે પૂરતા કાર્યબળ અને દેખરેખની ખાતરી કરી શકીએ.
OFK લગભગ 4,000 લોકોને રોજગારી આપે છે અને તે મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ (MIL)ના સૌથી મોટા એકમોમાંનું એક છે, જે ભારતીય સશસ્ત્ર દળોને દારૂગોળો પૂરો પાડે છે. ફેક્ટરીમાં તોપના ગોળા, બોમ્બ, રોકેટ અને અન્ય સંરક્ષણ સામગ્રી બનાવવામાં આવે છે. નિષ્ણાતોના મતે દેશની સંરક્ષણ ઉત્પાદન શૃંખલા જાળવી રાખવા અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે આવી તૈયારીઓ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉત્પાદન લક્ષ્યાંકો પૂરા કરવા અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે કર્મચારીઓની નિયમિત હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે.