‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં ભારતીય સેના દ્વારા પાર પડાયેલા ‘ઓપરેશન સિંદૂર’ પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં ભારતીય સેના દ્વારા પાર પડાયેલા ‘ઓપરેશન સિંદૂર’ પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. બુધવારે 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 50 બીઆરઓ (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન) ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે રાજનાથ સિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ભારતીય સેનાએ દેશનું ગૌરવ વધાર્યું છે. તમને ખબર જ છે કે છઠ્ઠી મેના રોજ મધ રાત્રે ભારતીય સેનાએ શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતાં એક નવો ઇતિહાસ લખ્યો છે. ભારતીય સેનાએ સચોટ, સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરી છે. અમે જે લક્ષ્ય નક્કી કર્યું હતું, તેને ચોકસાઇપૂર્વક પ્લાનિંગથી ધ્વસ્ત કર્યું છે. ભારતીય સેનાએ કોઈપણ નાગરિક સ્થાનને જરાપણ પ્રભાવિત થવા ન દેવાની સંવેદનશીલતા દર્શાવી છે. એટલે કે સેનાએ એક પ્રકારની ચોકસાઈ, સતર્કતા અને માનવતા દર્શાવી છે.

અમે હનુમાનજીના આદર્શનું પાલન કર્યું: સંરક્ષણ મંત્રી

રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે હું આપણી સેનાના જવાનો અને અધિકારીઓને દેશ તરફથી અભિનંદન આપું છું. અને હું સેનાને સંપૂર્ણ સમર્થન આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું. સંરક્ષણ મંત્રીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું ‘અમે હનુમાનજીના તે આદર્શનું પાલન કર્યું છે, જે તેમણે અશોક વાટિકા નષ્ટ કરતી વખતે કર્યું હતું. ‘જિન મોહિ મારા, તિન મોહિ મારે. એટલ કે ફક્ત તેમને માર્યા છે જેમણે માસૂમોને માર્યા.’ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને, પહેલાંની માફક આ વખતે પણ આતંકવાદીઓને ટ્રેનિંગ આપનાર કેમ્પોને નષ્ટ કરીને આકરો જવાબ આપ્યો છે. ભારતે પોતાની જમીન પર હુમલાનો જવાબ આપવા માટે પોતાના ‘રાઇટ ટૂ રિસ્પોન્ડ’ નો ઉપયોગ કર્યો છે. અમે આ કાર્યવાહી સમજી વિચારીને કરી છે. આતંકવાદીના મનોબળને તોડી પાડવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી ફક્ત તેમના કેમ્પો, અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી જ સિમિત રાખવામાં આવી છે. હું આપણી સેનાના શૌર્યને નમન કરુ છું. 

ભારતે લોન્ચ કર્યું ઓપરેશન સિંદૂર

ભારતીય સેનાએ રાત્રે આશરે 1:05થી 1:30 વાગ્યા સુધી ઓપરેશન સિંદૂરને લોન્ચ કર્યું હતું. જે હેઠળ લાહોરમાં આતંકવાદી હાફઝ સઈદ અને બહાવલપુરમાં આતંકવાદી મસૂદ અઝહરના અનેક ઠેકાણા તબાહ કરી દેવાયા હતાં. ભારતીય સેનાએ PoKના મુઝફ્ફરાબાદ, ધામોલ, કોટલી અને બાઘ અડ્ડા પર પણ હુમલો કર્યો હતો. ભારતીય સેનાની સ્ટ્રાઇકમાં લશ્કર અને જૈશના આશરે 30 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં.

ભારતની સ્ટ્રાઇક બાદ LoC (લાઇન ઑફ કંટ્રોલ) પર સ્થિતિ ગંભીર બની છે. અહીં પૂંછ, રાજૌરી, મેંઢર અને ભીંબર ગલીમાં જોરદાર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક પાકિસ્તાની ફાઇટર જેટ પુલવામાના પંપોરમાં ભારતીય સીમામાં ઘુસ્યું, જેને ભારતીય સૈનિકોને એન્ટી એરક્રાફ્ટ ગન્સથી તોડી પાડ્યું હતું. ભારતીય સેનાએ બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમ S-400 પણ એક્ટિવ કરી દીધું છે.

અજીત ડોભાલે આપી જાણકારી

આ સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ફક્ત આતંકવાદી ઠેકાણાને નિશાનો બનાવવામાં આવ્યા હતા, પાકિસ્તાની સેનાને નહીં. આ દરમિયાન NSA અજીત ડોભાલે અમેરિકન NSA સાથે ફોન પર વાત કરી અને એર સ્ટ્રાઈક વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે, ભારતે સટીક નિશાનો લગાવી ફક્ત આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા છે. ભારતે અમેરિકા સિવાય રશિયા, બ્રિટન, UAE અને સાઉદી અરબને પણ હુમલાની જાણકારી આપી હતી.