પંજાબમાં લશ્કર-એ-તૈયબાના આતંકી મોડ્યૂલનો પર્દાફાશ

પંજાબ પોલીસે આજે જમ્મુ અને કાશ્મીરના બે રહેવાસીઓની ધરપકડ કરીને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. પોલીસે જણાવ્યું કે, પકડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી બે આઈઈડી, બે હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ, બે મેગેઝીન, 24 કારતૂસ, એક ટાઈમર સ્વિચ, આઠ ડિટોનેટર અને ચાર બેટરી મળી આવી છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, અમૃતસર પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલે કેન્દ્રીય એજન્સી સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરી છે.

પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ‘રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલ-અમૃતસર એ કેન્દ્રીય એજન્સી સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોટી સફળતા મેળવી છે અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને જમ્મુ અને કાશ્મીરના બે લોકોની ધરપકડ કરી છે. યાદવે વધુમાં જણાવ્યું કે, આતંકવાદી મોડ્યુલનું સંચાલન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય ફિરદૌસ અહેમદ ભટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તેમણે બંને શકમંદોની ધરપકડને ‘પંજાબમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદી મોડ્યુલ માટે મોટો ફટકો’ ગણાવ્યો હતો.

છેલ્લા 15 મહિનામાં પંજાબ પોલીસે 197 આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે આ સમયગાળા દરમિયાન 32 આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC) અમૃતસરના સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ ધરપકડ કરાયેલા આતંકવાદીઓની સંખ્યા હવે 200 પર પહોંચી ગઈ છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે કહ્યું કે, તહેવારોને કારણે પોલીસ દ્વારા વધારાની સુરક્ષા રાખવામાં આવી રહી છે. પોલીસને આંતર-રાજ્ય નાકાબંધી ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. પંજાબ પોલીસે છેલ્લા 15 મહિનામાં આતંકવાદીઓ પાસેથી 32 રાઇફલ્સ, 222 રિવોલ્વર, પિસ્તોલ, 9 ટિફિન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ રિકવર કર્યા છે.