અરવિંદ કેજરીવાલની 2 નવેમ્બરે થઈ શકે છે ધરપકડ

CBI બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે. EDએ 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા છે. હવે આમ આદમી પાર્ટી તેમની ધરપકડથી ડરી રહી છે. AAP પૂછપરછ દરમિયાન સીએમ કેજરીવાલની ધરપકડનો ભય વ્યક્ત કરી રહી છે. આતિશીએ કહ્યું કે, ED અને CBI છેલ્લા દોઢ વર્ષથી લિકર પોલિસી સ્કેમ કેસની તપાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી તેઓ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓને ભ્રષ્ટાચારના કોઈ પુરાવા મળ્યા વિના એક પછી એક જેલમાં નાખવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ અને વડાપ્રધાન AAP અને અરવિંદ કેજરીવાલથી ડરે છે, તેથી જ તેમની ધરપકડ થઈ શકે છે. આતિશીએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હેમંત સોરેન, તેજસ્વી યાદવ, મમતા બેનર્જી અને પિનરાઈ વિજયનની ધરપકડ કરવામાં આવશે.

તપાસ એજન્સી પર સવાલ ઉઠાવતા AAP નેતાએ કહ્યું કે EDને આજે કોઈની ધરપકડ કરવા માટે કોઈ પુરાવાની જરૂર નથી. આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી બીજેપી વિરુદ્ધ સંઘર્ષ ચાલુ રાખશે અને દિલ્હી સરકાર પણ દિલ્હીના લોકો માટે કામ કરતી રહેશે. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં પહેલાથી જ જેલમાં છે. સંજય સિંહ પણ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. હવે ઈડીએ અરવિંદ કેજરીવાલને પણ પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં સીબીઆઈએ દિલ્હીના સીએમની 9 કલાક પૂછપરછ કરી હતી.