રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જો કે, હજુ સુધી નવા કેપ્ટન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રોહિત ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.
હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું: રોહિત શર્મા
રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે, ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’
આવું રહ્યું છે રોહિતનું ટેસ્ટ કરિયર
આ નિર્ણયની સાથે જ રોહિત શર્માએ 11 વર્ષના લાંબા ટેસ્ટ કરિયરનો અંત થઈ ગયો. રોહિત શર્માએ 67 ટેસ્ટ રમી, જેમાંથી 24 ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી. તેમણે 12 સદી અને 18 અડધી સદી સહિત 40.57ની સરેરાશથી કુલ 4301 રન બનાવ્યા. રોહિતે ટેસ્ટમાં 88 છગ્ગા અને 473 ચોગ્ગા લગાવ્યા.
રોહિત વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ નાગપુરમાં પોતાની ટેસ્ટ ડેબ્યૂ કરવાના હતા, પરંતુ તે મેચમાં ટોસ પહેલા તેને ઈજા થઈ હતી. ત્યારબાદ તેમનું ટેસ્ટ ડેબ્યૂ ત્રણ વર્ષ બાદ થયું. તેમણે વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ વર્ષ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર પોતાની ડેબ્યૂ ટેસ્ટ પર સદી બનાવી. મુંબઈમાં પોતાની આગામી ટેસ્ટમાં તેમણે વધુ એક સદી ફટકારી. ત્યારે, રોહિતે છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી હતી.