દેવાયત ખવડ પ્રાયશ્ચિત માટે મફતમાં ડાયરા કરશે

વર્ષો પહેલાં ડાયરામાં સરદાર પટેલને લઈને વિવાદિત ટીપ્પણી કરનાર લોક સાહિત્યકાર દેવાયત ખવડને હવે પસ્તાવો થઈ રહ્યો છે. દેવાયત ખવડે ફરી એકવાર પાટીદાર સમાજની માફી માંગી છે. અગાઉ ડાયરામાં દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ હવે દેવાયત ખવડને આ અંગે ભારે પસ્તાવો થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, નવરાત્રી દરમિયાન દેવાયત ખવડે જાહેર મંચ પરથી પાટીદાર સમાજની માફી માંગી હતી. જે બાદ હવે ફરી એકવાર અમરેલીના ચમારડી ગામે યોજાયેલ એક કાર્યક્રમમાં માફી માંગી અને સરદાર પટેલની જન્મ જયંતીએ મફતમાં ડાયરા કરવાનું એલાન કર્યું છે.

ગુજરાતી લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરદાર પટેલ જ્યંતીના કાર્યક્રમમાં જાહેરમાં માફી માંગી. આ કાર્યક્રમમાં તેમણે માફી માગતા જણાવ્યુ કે, મેં ભૂલ જાહેરમાં કરી હતી તેથી માફી પણ જાહેરમાં જ માંગવી પડે. મને મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. અમરેલીના ચમારડીમાં સરદાર જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ચમારડીના કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે સ્ટેજ પર જાહેરમાં માફી માંગી હતી. ઉપરાંત દેવાયત ખવડે જાહેરાત કરી કે, હું ગુજરાત અને દુનિયાના દરેક ખૂણે જીવનભર સરદાર પટેલ જ્યંતી નિમિતે પૈસા લીધા વિના ડાયરા કરીશ.

મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના સ્મરણાર્થે આયોજિત રામકથામાં દરરોજ સાંજે અલગ અલગ કલાકારોના લોકડાયરા, ભજન સહિતના કાર્યક્રમોના આયોજન થતા હતા. ત્યારે દેવાયત ખવડનો કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો. જોકે, દેવાયત ખવડ દ્વારા તાજેતરના એક કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કરાયેલી ટિપ્પણીને કારણે પાટીદાર સમાજ રોષે ભરાયાો હતો. જેના કારણે મોરબી કાર્યકમ રદ્દ કરી નાખવામાં આવ્યો હતો. આ અંગેની દેવાયત ખવડે જાહેર મંચ પરથી માફી માંગી છે.

ચમારડી ખાતે આયોજિત કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાંસદ કાછડીયા, ધારાસભ્ય જનક તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ તથા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા દ્વારા ઘણા લાંબા સમયથી ગામે ગામ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે.