સતત 12માં દિવસે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, આજે બંને દેશોના DGMOની બેઠક

પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન નિયંત્રણ રેખા(એલઓસી)ને અડીને આવેલા ગામોમાં ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા સતત 12મા દિવસે પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાંચમી મે ૨૦૨૫ની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારની ચોકીઓ પરથી ગોળીબાર કર્યો હતો, જોકે, ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો.

આજે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓની વાતચીત
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત-પાકિસ્તાન બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ વચ્ચે મંગળવારે (છઠ્ઠી મે) વાતચીત થવા જઈ રહી છે. પહલગામ હુમલા પછી, ભારત-પાકિસ્તાન ડીજીએમઓ વચ્ચે ત્રીજી બેઠક યોજાવા જઈ રહી છે.
પહલગામ હુમલા બાદ સરહદ પર તણાવ
પહલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 પ્રવાસીઓની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામોમાં સતત ગોળીબાર કરી રહ્યું છે. તે કોઈપણ ઉશ્કેરણી વિના આવા પગલાં લઈ રહ્યો છે. ભારતીય સેના પણ આનો યોગ્ય જવાબ આપી રહી છે.