સતત બીજા વર્ષે ભાવનગરમાં ધો.12 વિ.પ્ર.નું 90.82 %, સા.પ્ર.નું 95.82 % રેકોર્ડબ્રેક પરિણામ

સરેરાશ પરિણામમાં સુધારા સાથે જિલ્લાએ ગત વર્ષે સર્જેલાં ઉંચા પરિણામના વિક્રમ બાદ
– ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધો.૧૨ વિ.પ્ર.માં ભાવનગર જિલ્લો પાંચમાં ક્રમેથી ધકેલાઈ રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવ્યો તો સા.પ્ર.માં ક્રમાંક સુધરી ચતૂર્થ થયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે એક સાથે જાહેર કરેલાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં ભાવનગર જિલ્લાએ ગત વર્ષે સર્જેલાં અત્યાર સુધીના સૌથી ઉંચા પરિણામના રોકોર્ડની સરખામણીએ આ વર્ષે બન્ને પ્રવાહનું પરિણામ ઉંચું લાવી સતત બીજા વર્ષે નવો વિક્રમ સર્જયો છે.ગત વર્ષની સરખામણીએ આજે જાહેર થયેલાં પરિણામમાં ધો.૧૨ વિ.પ્ર.માં ભાવનગર જિલ્લાના સરેરાશ પરિણામમાં ૧.૧૦ ટકાના વધારા સાથે ૯૦.૮૨ ટકા નોંધાયું છે. એ જ રીતે સા.પ્ર.નું ૦.૨૮ ટકાના વધારા સાથે ૯૫.૮૨ ટકા નોંધાતાં બન્ને પ્રવાહના વિદ્યાર્થી, વાલીઓ તથા શાળા પરિવારમાં ભારે આનંદ છવાયો હતો. જો કે, ઉંચા પરિણામની ટકાવારીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધો.૧૨ વિ.પ્ર.માં ભાવનગર જિલ્લો રાજ્યમાં પાંચમાં ક્રમેથી ધકેલાઈ છઠ્ઠા ક્રમે રહ્યો છે. તો સામાપક્ષે સા.પ્ર.માં જિલ્લાનો ક્રમાંક સુધરીને ચતૂર્થ થયો છે.આ ઉપરાંત, આ બન્ને પરિણામ સાથે ગુજકેટનું પરિણામ પણ સાથે જાહેર થયું હતું.
ભાવનગરની સાથોસાથ સમગ્ર રાજ્યમાં ગત તા.૨૭ ફેબૂ્રઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ હતી. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ધો.૧૨ના વિજ્ઞાન અને સામાન્ય, વ્યવસાયલક્ષી,ઉચ્ચતર ઉત્તર બુનિયાદી અને સંસ્કૃત પ્રવાહના મળી કુલ ૨૦,૯૩૬ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલાં ધો.૧૨ વિ.પ્ર.ના પરિણામમાં ભાવનગર જિલ્લાનું સરેરાશ ૯૦.૮૨ ટકા પરિણામ જાહેર થયું હતું.ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે જાહેર થયેલાં ધો.૧૨ વિ.પ્ર.ના પરિણામમાં ભાવનગર જિલ્લાનું અત્યારસુધીનું સૌથી ઉંચું ૮૯.૭૨ ટકા પરિણામ જાહેર થવાની સાથે આ પરિણામે અત્યાર સુધીના તમામ રેકોર્ડસ તોડી નાંખ્યા હતા. સાથોસાથ ઉંચા પરિણામની યાદીમાં ભાવનગર જિલ્લો પાંચમાં ક્રમે રહ્યો હતો. ગત વર્ષના રેકોર્ડબ્રેક પરિણામની સરખામણીએ આ વર્ષે આ પ્રવાહના પરિણામમાં ૧.૧૦ ટકાનો વધારો થતાં સતત બીજા વર્ષે નવો જ રોકોર્ડ સર્જાયો છે. આજે જાહેર થયેલાં ધો.૧૨ વિ.પ્ર.ના પરિણામમાં ભાવનગર જિલ્લામાંથી નોંધાયેલ ૫,૯૪૮ વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષા આપનાર ૫,૯૩૭ વિદ્યાર્થીઓનું આનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં ૩૫ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. તો, ૬૧૪ને એ-૨, ૧૨૫૯ને બી-૧ તો ૧૪૪૬ છાત્રને બી-૨ ગ્રેડ મળ્યો છે. જ્યારે ૧૧૮૬ને સી-૧, ૭૧૪ને સી-૨, તો ૧૩૬ને ડી અને ૫૫૬ નાપાસ જાહેર થયા છે. જો કે, ગત વર્ષની તુલના એ આ વર્ષે આ પ્રવાહનું પરિણામ ઉંચું આવવા છતાં રાજ્યમાં જિલ્લાનો ક્રમાંક પાંચથી સરકીને છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે.

એ જ રીતે ભાવનગર જિલ્લામાં ધો.૧૨ સામાન્ય, વ્યવસાયલક્ષી,ઉચ્ચતર ઉત્તર બુનિયાદી અને સંસ્કૃત પ્રવાહના નોંધાયેલા ૧૪,૯૮૮ વિદ્યાર્થીમાંથી ૧૪૯૪૪ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેના આજે જાહેર થયેલાં પરિણામમાં ૩૨૭ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. જ્યારે ૨,૭૭૫ વિદ્યાર્થીએ એ-૨, ૪,૦૫૧ છાત્રોએ બી-૧, ૩,૮૦૧એ બી-૨, તો ૨,૪૪૪ વિદ્યાર્થીએ સી-૧ અને ૮૪૮એ સી-૨ ગ્રેડ મેળવ્યો છે. તો. ૭૦ વિદ્યાર્થીને ડી અને ૬૬૯ વિદ્યાર્થી નાપાસ જાહેર થતાં આ વર્ષે ધો.૧૨ સા.પ્ર.નું ભાવનગર જિલ્લાનું સરેરાશ પરિણામ ૯૫.૮૨ ટકા જાહેર થયું છે. વિ.પ્ર.ની જેમ આ પ્રવાહમાં પણ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ૦.૨૮ ટકાનો વધારો નોંધાતા ભાવનગર જિલ્લાએ આ પ્રવાહમાં પણ ગત વર્ષના સૌથી ઉંચા પરિણામનો રેકોર્ડ બ્રેક કર્યો છે.ઉલ્લેખનિય છે કે,ગત વર્ષે ધો.૧૨ સા.પ્ર.નું ભાવનગર જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી ઉંચું ૯૫.૫૪ ટકા પરિણામ આવતાં ભાવનગર જિલ્લો આ પ્રવાહમાં પણ સૌથી ઉંંચા પરિણામમાં રાજ્યમાં 5 માં ક્રમે રહ્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે તે ક્રમ સુધરીને ચોથો થયો છે. બન્ને પ્રવાહની સાથોસાથ આજરોજ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જયારે, આજે સવારે બોર્ડની વેબસાઈટ પર જાહેર થયેલાં પરિણામને લઈ સવારથી વિદ્યાર્થી વાલીઓએ બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ મેળવી લીધું હતું. સતત બીજા વર્ષે બન્ને પ્રવાહના ઉંચા પરિણામના કારણે વિદ્યાર્થી, વાલીઓ તથા શાળા પરિવારમાં આનંદ છવાયો હતો.
ઉંચા પરિણામ વચ્ચે બન્ને પ્રવાહમાં એ-૧ ગ્રેડમાં વિદ્યાર્થી સંખ્યા ઘટી
બોર્ડના આજે જાહેર થયેલાં પરિણામમાં એક તરફ જિલ્લાના સરેરાશ પરિણામમાં વધારો નોંધાયો છે બીજી તરફ, બન્ને પ્રવાહના પરિણામમાં એ-૧ ગ્રેડમાં વિદ્યાર્થી સંખ્યા ઘટી છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં ૪૩ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં નોંધાયા હતા. જેની સરખામણીએ આ સંખ્યા ઘટીને ૩૫ થઈ છે આ વર્ષે આ પ્રવાહમાં એ-૧ ગ્રેડમાં ૮ વિદ્યાર્થી ઘટયા છે. એ જ રીતે સા.પ્ર.માં ગત વર્ષે ૪૩૧ વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડ મેળવ્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે આ પ્રવાહમાં પણ આ સંખ્યા ઘટીને ૩૨૭ થઈ છે. એટલે આ પ્રવાહમાં પણ ૧૦૪ વિદ્યાર્થી ઘટયા છે.