વૈશાખમાં અષાઢી માહોલ! ચોટીલા પંથકમાં વાવાઝોડા સાથે કરાનો વરસાદ

નવા ગામમાં બાથરૃમની દિવાલ ઘસી પડી, એક ઇજાગ્રસ્ત
દુકાનોમાં પાણી ઘૂસ્યા, અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, લગ્ન મંડપો ઉડયાં, વીજ પુરવઠો ડૂલ થયો
ચોટીલા – યાત્રાધામ ચોટીલામાં સોમવારે સાંજે એકાએક ધુળની આંધી સાથે કરાનો વરસાદ વરસ્યો હતો. પ્રથમ જોરદાર પવન અને ધુળની ડમરીઓ ઉડી હતી ત્યાર બાદ વિજળીના કડાકા ભડાકા અને કરાનો વરસાદ તૂટી પડયો હતો. માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.
નવા ગામમાં બાથરૃમની દિવાલ ઘસી પડી હતી. જેમા વાલાભાઇ ઘાઘળને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. માવઠાના વરસાદમાં યાત્રાધામની બજારમાં પાણી ભરાતા પાલિકા તંત્રની લાપરવાહીનો ભોગ વેપારીઓ બન્યાં હતા. મેઇન બજારમાં થોડા વરસાદે પાણી પાણી કરી વળ્યા હતા. રસ્તા ઉપરનાં નાળાઓ બુરાઈ જતા વરસાદી પાણીનો નિકાલ બંધ થયો હતો જેના કારણે દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. સ્થાનિક પાલિકાની નિષ્ફળતાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો.
વિસ્તારમાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી. અનેક ઠેકાણે લગ્ન પ્રસંગોમાં મંડપ સમીયાણા ઉડયાં હતા. સાંજના લગ્ન પહેલા વાવાઝોડું વરસાદ ત્રાટકતા થોડીવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. શહેરમાં બસસ્ટેન્ડ, થાનરોડ, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષ પડવાથી રસ્તા બ્લોક થયા હતા. અનેક ઠેકાણે વાયરો પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો અને વરસાદ બાદ અસહ્ય બફારા વચ્ચે લોકો બેબાકળા બની ગયા હતા. નવી પેઢી માટે કરાનો વરસાદ કુતૂહલ સમાન હતો લોકો એ કરાને એકત્ર કરી ભેગા કરી અલગ વાસણમાં ભરી લીધા હતા.