માતા વૈષ્ણો દેવીના શ્રદ્ધાળુઓને મોટી રાહત, 7 દિવસ બાદ ફરીથી શરૂ થઈ હેલિકોપ્ટર સેવા

Mata Vaishno Devi Helicopter Service: જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા બુધવારે ફરીથી શરૂ કરી દેવાઈ છે. જેને લઈને શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને પગલે હેલિકોપ્ટર સેવા અંદાજિત એક અઠવાડિયા સુધી બંધ રહી હતી. અધિકારીઓેએ આ માહિતી આપી. હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક દિવસ પહેલા જ જમ્મુ અને શ્રીનગર સહિત 32 એરપોર્ટ પર ફ્લાઈટ્સ શરૂ કરી દેવાઈ હતી.

બંને પાડોશી દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ બન્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. મંદિર વ્યવસ્થાપન બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, ‘માતા વૈષ્ણો દેવી મંદિરમાં હેલિકોપ્ર સેવા છેલ્લા સાત દિવસો સુધી બંધ હતી, જેને આજે સવારે શરૂ કરી દેવાઈ. આ મહિનાની શરૂઆતથી તીર્થયાત્રીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવ્યો હતો, પરંતુ હવે આ વધી રહી છે.’

અધિકારીઓએ જણાવ્યું કે, તીર્થયાત્રીઓ માટે બેટરી કાર સેવા પણ ચાલું છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી 30 લાખથી વધુ તીર્થયાત્રીઓએ મંદિરમાં દર્શન કર્યા છે, જ્યારે ગત વર્ષ આ સંખ્યા 94.84 લાખ હતી. આશા વ્યક્ત કરી કે આ સંખ્યા આવનારા દિવસોમાં અનેક ગણી વધી જશે.