કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, અમરેલીના પૂર્વ સાંસદે PM-CMને પત્ર લખી માગી સહાય

ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે

ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. આ કમોસમી વરસાદના ખેડૂતોની મુશ્કેલી સૌરાષ્ટ્રભરમાં વધી રહી છે. ત્યારે અમરેલી જિલામાં રાજુલા, સાવરકુંડલા, ધારી,ખાંભા સહિત લીલીયા વિસ્તામાં પડેલા વરસાદથી વિવિધ પાકોમાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોમાં નારાજગી ઊભી થતા અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સહાયની માગ કરી છે.

ભારે વરસાદના કારણે ખેડૂતનો મોઢે આવેલો કોળિયો છીનવાયો

ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે. જેમાં આણંદમાં તૈયાર બાજરી-ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. બીજી બાજું વડોદરામાં બે ઈંચ વરસાદ ખાબકતાં તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં.

આંબાવાડીઓને થયું નુકસાન

આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનનગરમાં 2500 હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુસાન થયું હતું. મહુવામાં 7 ઈંચ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ પાલીતાણામાં વરસાદના કારણે 2500 હેક્ટર જેટલાં વિસ્તારની આંબાવાડીઓની કેસર કેરીના આંબાને નુકસાન થયું હતું.