ઓપરેશન સિંદૂર બાદ ભારતની ફરી ‘વૉટર સ્ટ્રાઈક’! ચિનાબ નદીના બગલિહાર-સલાલ ડેમના ગેટ ખોલ્યાં

LOC પર નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરી રહેલા પાકિસ્તાનન પર ભારતે ફરી ‘વૉટર સ્ટ્રાઈક’ કરી છે
LOC પર નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરી રહેલા પાકિસ્તાનન પર ભારતે ફરી ‘વૉટર સ્ટ્રાઈક’ કરી છે. ગોળીબાર કર્યા વિના પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે ફરી એક વખત ચિનાબનો સહારો લીધો છે. ભારતે બગલિહાર અને સલાલ ડેમના ગેટ ખોલી દીધા છે, જેનાથી પાકિસ્તાનના વિભિન્ન વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
ભારતની ફરી વૉટર સ્ટ્રાઈક
પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં સૈન્ય ગતિવિધિઓ પણ પ્રભાવિત થઈ છે. છેલ્લા પાંચ દિવસોમાં ભારતે બીજી વખત તેના પર વૉટર સ્ટ્રાઈક કરી છે. આ અગાઉ રવિવારે ભારત સરકારે ચિનાબ નદીના પાણીનો પ્રવાહ બંધ કરી દીધો હતો, જેના કારણે પાકિસ્તાનમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી અને તેના વિવિધ જળવિદ્યુત પ્રોજેક્ટ બંધ થઈ ગયા હતા.
ભારતના સરહદી વિસ્તારો પર ગોળીબાર
જોકે, ભારતે બીજા દિવસે સોમવારે પાણી છોડી દીધુ હતું. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરથી બોખલાઈ ગયેલા પાકિસ્તાને મંગળવાર રાતથી ભારતના સરહદી વિસ્તારો પર ગોળીબાર શરૂ કરી દીધો છે. આ ગોળીબારમાં એક જવાન શહીદ થઈ ગયો છે અને 14 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ 100 નાગરિકો ઘાયલ થયા છે.
બગલિહાર ડેમના ગેટ ખોલ્યાં
સબંધિત સૂત્રોએ જણાવ્યું કે, ગત રાત્રે ડોડા-કિશ્તવાડ, રિયાસીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને બગલિહાર અને સલાલ ડેમમાં પાણીના પ્રવાહને રોકવા અને જાળવવા માટે બનાવવામાં આવેલા બે વધારાના ગેટ ખોલી દેવામાં આવ્યા છે. આના કારણે રિયાસી નીચે અખનુરમાં પાણીનું સ્તર 20 ફૂટથી ઉપર વધી ગયું છે.
તેનાથી અખનૂરની નીચે પાકિસ્તાનના વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જોકે, તેની પુષ્ટિ નથી થઈ. પરંતુ સબંધિત સૂત્રોએ જણાવ્યું કે, ગઢખાલ અને પરગવાલ સેક્ટરની પાર પકિસ્તાની ક્ષેત્રોમાં પાણી ભરાઈ ગયું છે.
ભારત ઈચ્છે ત્યારે દુષ્કાળ અને પૂરની સ્થિતિ ઉત્પન્ન કરી શકે
સૂત્રોનું માનીએ તો સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને ચેનાબના પાણીનો પ્રવાહ રોકવા અથવા ચેનાબ પર બનેલા ડેમમાંથી અચાનક પાણી છોડતા પહેલા જાણ કરવામાં આવી હતી. હવે આ સંધિ સ્થગિત કરી દેવામાં આવી છે, તેથી હવે તેની જાણ કરવામાં નથી આવતી અને ભારત જ્યારે ઈચ્છે ત્યારે પાકિસ્તાનમાં દુષ્કાળ અને પૂરની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે.