‘ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા…’ પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત

પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા અને ISPRના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતીય મિસાઇલ હુમલાની પુષ્ટિ કરી હતી અને દાવો કર્યો હતો કે 24 હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે

પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા અને ISPRના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતીય મિસાઇલ હુમલાની પુષ્ટિ કરી હતી અને દાવો કર્યો હતો કે 24 હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સવારે 04:08 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, ‘ભારતે વિવિધ શસ્ત્રો વડે કુલ 24 હુમલા કર્યા છે. જેમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે. બહાવલપુરના અહમદપુર પૂર્વમાં સુભાન મસ્જિદ પાસે ચાર હુમલા કરવામાં આવ્યા હતા.’

જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ જૈશ-એ-મોહમ્મદ અને તેના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો ગઢ છે. જણાવી દઈએ કે જૈશ પુલવામા હુમલા સહિત ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર રહ્યો છે.

90થી વધુ આતંકીઓનો સફાયો કરાયાની પ્રાથમિક જાણકારી 

પ્રાથમિક જાણકારી અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 90 થી વધુ આતંકીઓનો સફાયો થઇ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરિદકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. 

લશ્કર અને હિઝબુલના આતંકવાદી કેમ્પોનો કર્યો નાશ

જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત, ભારતે લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુખ્યાલયનો પણ નાશ કર્યો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 ઠેકાણાઓનો નાશ કર્યો.

હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવેલા સ્થળોમાં બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહ, તેહરા કલાનમાં સરજાલ, કોટલીમાં મરકઝ અબ્બાસ અને મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પનો સમાવેશ થાય છે. આ બધા જૈશ-એ-મોહમ્મદના કેમ્પ હતા.

મુર્દીકેમાં મરકઝ તૈયબા, બરનાલામાં મરકઝ અહલે હદીસ અને મુઝફ્ફરાબાદમાં શવવાઈ નાલા કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો. આ બધા પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના કેમ્પ હતા. 

કોટલીમાં મક્કા રાહિલ શાહિદ અને સિયાલકોટમાં મહમૂના ઝોયાને તોડી પાડવામાં આવ્યા. આ બધા પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીનના કેમ્પ અને તાલીમ કેન્દ્રો હતા.