‘Operation Sindoor’ માટે ભારતે પાકિસ્તાનનું આ શહેર જ કેમ પસંદ કર્યું? લશ્કર-જૈશ સાથે કનેક્શન

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે.

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. જેમાં પાકિસ્તાને હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘ભારતીય હુમલામાં કોટલી, મુરિદકે અને બહાવલપુરમાં 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.’

આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો ઉદ્દેશ્ય 

આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત પર છેલ્લા ત્રણ દાયકામાં થયેલા ઘણા મોટા આતંકવાદી હુમલાઓમાં સામેલ જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો હતો. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. 

ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પીઓકેમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાનમાં બહાવલપુર, મુરિદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. એવામાં જાણીએ કે એરસ્ટ્રાઈક માટે આજ શહેર પસંદ કરવામાં કેમ આવ્યું. 

એરસ્ટ્રાઈક માટે બહાવલપુર કેમ પસંદ કરવામાં આવ્યું?

પાકિસ્તાનનું 12મું સૌથી મોટું શહેર બહાવલપુર, જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક માનવામાં આવે છે. અહીં સ્થિત જામિયા મસ્જિદ સુબ્હાન અલ્લાહ કેમ્પસ, જેને ઉસ્માન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પર ભારતે હુમલો કર્યો હતો. આ સંકુલ લગભગ 18 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 600 થી વધુ વિદ્યાર્થીઓ માટે મદરેસા, એક ભવ્ય મસ્જિદ, સ્વિમિંગ પૂલ, ઘોડેસવારી માટેનું અસ્તબલ અને એક જીમનો સમાવેશ થાય છે.

મસ્જિદ અને સંકુલનું સંચાલન અલ-રહેમત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેને જૈશનું ફ્રન્ટલ સંગઠન માનવામાં આવે છે. તેની શરૂઆત એક સરળ રચનાથી થઈ હતી, પરંતુ 2012 સુધીમાં તે સંપૂર્ણ આતંકવાદી તાલીમ કેન્દ્ર બની ગયું હતું. 

જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક: મસૂદ અઝહર 

1968 માં બહાવલપુરમાં જન્મેલા મૌલાના મસૂદ અઝહરની 1994 માં ભારતમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ 1999 માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટના હાઇજેક બાદ તેને મુક્ત કરવો પડ્યો હતો અને તરત જ તેણે જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી. 

એવું માનવામાં આવે છે કે અઝહરે આતંકવાદી અભિયાન શરૂ કરતા પહેલા અફઘાનિસ્તાનમાં ઓસામા બિન લાદેનને પણ મળ્યો હતો. તેમના સંગઠનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તરફથી માત્ર માળખાકીય જ નહીં પણ નાણાકીય સહાય પણ મળી રહી છે.

જૈશની આતંકવાદી પ્રવૃત્તિઓ

એપ્રિલ 2000: શ્રીનગરમાં પહેલો આત્મઘાતી હુમલો, જેમાં 4 ભારતીય સૈનિકો માર્યા ગયા.

ઓક્ટોબર 2001: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા પર આત્મઘાતી હુમલો, 30 થી વધુ લોકોના મોત.

ડિસેમ્બર 2001: સંસદ પર હુમલો, 14 લોકો માર્યા ગયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ.

જાન્યુઆરી 2016: પઠાણકોટ એરબેઝ પર હુમલો.

સપ્ટેમ્બર 2016: ઉરી હુમલો, 19 ભારતીય સૈનિકો શહીદ. જેના જવાબમાં ભારતે PoKમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી.

ફેબ્રુઆરી 2019: પુલવામા હુમલો, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા. આ પછી ભારતે બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા.