લલ્લા બિહારીની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

મૂળ ઉત્તર પ્રદેશનો અને આગ્રામાં રહેતો લલ્લા બિહારી છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં આવ્યો હતો

વર્ષોથી ચાંડોળા તળાવ પર ગેરકાયદે દબાણ અને ઘૂસણખોરો વિરુદ્ધ હવે સરકારી તંત્રએ તવાઈ બોલાવી છે. ગત શનિવારે વહેલી સવારે અમદાવાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને અનેક ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. જોકે આ દરમિયાન ગેરકાયદે ઘૂસણખોરીને આશરો આપનાર લલ્લા બિહારી નામના ઈસમનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહીં, લલ્લા બિહારીએ ચાંડોળા તળાવ પર પોતાનું વિશાળ ફાર્મ હાઉસ અને પાર્કિંગ પણ ઉભું કરી દીધું હતું. ક્રાઈમ બ્રાન્ચમાં લલ્લા બિહારી, તેના પુત્ર સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે તે સમયે તેના પુત્રની ધરપકડ કરી હતી. જ્યારે આજે રાજસ્થાનના બાંસવાડા પાસેથી લલ્લા બિહારીની ધરપકડ કરી છે.

લલ્લા બિહારીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મૂળ ઉત્તર પ્રદેશનો અને આગ્રામાં રહેતો લલ્લા બિહારી છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં આવ્યો હતો. અમદાવાદમાં આવીને તેણે ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપવાનું શરૂ કર્યું હતું. બાંગ્લાદેશીઓને તે રૂપિયા 20 થી 22 હજારમાં ભાડા કરાર અને આધાર કાર્ડ બનાવી આપતો હતો. કેટલાક લોકોને કામ પણ અપાવતો હતો. જેમાંથી તે પોતાનું કમિશન પણ મેળવતો હતો.

જોકે મહિલાઓને સાવરણી બાંધવાનું કામ, કડિયા કામ પણ અપાવતો હતો. જ્યારે કેટલીક મહિલાઓ પાસે દેહ વ્યાપારનું પણ કામ કરાવતો હોવાનું સામે આવ્યું છે. જે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. લલ્લા બિહારી ગેરકાયદે વીજ જોડાણમાંથી વીજળી મેળવી લોકોને વીજળી પૂરી પાડતો હતો. જેના બદલામાં તે મહિને 1500 રૂપિયા વસૂલતો હતો. જ્યારે પાણી માટે રોજના 20 થી 30 રૂપિયા મેળવતો હતો.