‘પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી’, CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન

કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની ઈમરજન્સી બેઠક શુક્રવારે સાંજે દિલ્હીમાં યોજાઈ હતી.
પહલગામ આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની ઈમરજન્સી બેઠક શુક્રવારે સાંજે દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં કેન્દ્રની મોદી સરકારને તમામ શક્ય મદદ કરવાની વાત કરી છે. બેઠકમાં ખડગેએ કહ્યું હતું કે, ‘પહલગામ હુમલા પર મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી.’ જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ખડગેએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીને શુભેચ્છા આપી છે.’

ખડગેએ કહ્યું કે, ‘દેશની એકતા અને અખંડતામાં જે અડચણરૂપ બનશે તેના વિરૂદ્ધ સૌ સાથે મળીને કડકાઈથી લડીશું. આખુ વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે ઉભું છે. આ સાથે ખડગેએ આરોપ લગાવ્યો છે કે પહલગામ હુમલા બાદ પણ મોદી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ રણનીતિ સામે આવી નથી. રાહુલ ગાંધીએ કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. સાથે જ સરકાર સાથે માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જો અને સન્માન આપવાની માગ કરી છે.’
જાતિ આધારિત વસ્તી ગણતરીનો સરકારે નિર્ણય લેતા ખડગેએ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી છે. ખડગેએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીને જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને અવાજ બુલંદ કરી અને અડગ રહ્યા. મજબૂરીમાં કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લેવો પડ્યો.’