ચંડોળા તળાવ પાસે સામ્રાજ્ય ઊભુ કરનાર લલ્લા બિહારીની ધરપકડ

લલ્લા બિહારી રાજસ્થાનમાં હોવાની બાતમી તેના દીકરા ફતેહે જણાવી હતી

સમગ્ર ગુજરાતના ચકચારી એવા ચંડોળા તળાવ કેસમાં મુખ્ય આરોપી લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી આ ગેરકાયદેસર સામ્રાજ્ય સર્જનારને ઝડપી લીધો છે. રાજસ્થાનમાં ગુજરાત બોર્ડર નજીક બાસવાડા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે આ માસ્ટર માઈન્ડ લલ્લા બિહારીને દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ લલ્લા બિહારીના દીકાર ફતેહની ધરપકડ કરાઈ હતી.

ચંડોળા તળાવ ખાતે રહેતા ગેરકાયદેસર લોકોને લલ્લા બિહારી વિવિધ પ્રકારની મદદ પૂરી પાડતો હતો. તેની સાથે કેટલાક રાજકીય નેતા સંકળાયેલા હોવાની પૂરેપૂરી શક્યતા છે. લલ્લા બિહારી રાજસ્થાનમાં હોવાની બાતમી તેના દીકરા ફતેહે જણાવી હતી. લલ્લા બિહારીના 5 ઘર હોવાનું સામે આવ્યું છે. લલ્લા બિહારીને 4 પત્નીઓ પણ છે. તેના વિવિધ ઘરોમાંથી બેન્ક એકાઉન્ટની માહિતી તેમજ ભાડાના ઘર માટે ઉઘરાવાતા ભાડાની બિલ બુકો મળી આવી હતી. જ્યારે અન્ય એક મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો જેવા દસ્તાવેજો પોલીસે કબ્જે કર્યા છે.

અમદાવાદના ચંડોળા તળાવમાં પ્રથમ તબક્કાનું ડીમોલિશન પૂર્ણ થયા બાદ થોડા દિવસ કામગીરી બંધ રખાશે. જેમાં 4 દિવસમાં ચંડોળા તળાવમાં 4500 જેટલા મકાન તોડવામાં આવ્યા છે. તથા 1500 પાકા અને 3000 કાચા મકાન તોડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બીજા ફેઝ અંગે આજે નિર્ણય કરવામાં આવશે. બીજા તબક્કામાં તમામ નાના ઝુંપડા તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે.

અત્યારે હાલ અંદાજીત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ છે. જંત્રી પ્રમાણે 14 વર્ષમાં સરકારને લગભગ 500 કરોડથી વધુનું નુકસાન છે. ચંડોળા તળાવમાં ગેરકાયદે ઘુસણખોરી થઇ છે. જેમાં 2010માં જળસંગ્રહ ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી. તથા 2024માં જળસંગ્રહ ક્ષમતા ફરી ઘટીને 7.58 લાખ ચોરસ મીટર થઇ છે. 14 વર્ષમાં 1.25 લાખ ચોરસ મીટર જમીન પર દબાણ થયુ છે. જેમાં ચંડોળામાં દબાણનું સચોટ સત્ય – વર્ષ 2024 તળાવ A – 5,91,838.87 ચોરસ મીટર તથા તળાવ B – 51,301.27 ચોરસ મીટર, તળાવ C – 1,09,585.15 ચોરસ મીટર એટલે કુલ – 7,52,725.29 ચોરસ મીટર છે.