અમદાવાદમાં આઈપીએલને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર

અમદાવાદમાં હાલ મેટ્રો ટ્રેનનો સમય સવારે 6.20 થી લઈને રાત્રિના 10 વાગ્યા સુધીનો છે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 મે અને 14 મેના રોજ આઈપીએલ 2025 ની મેચો રમાનાર છે. જેને ધ્યાનમાં રાખીને GMRC (Gujarat Metro Rail Corporation Limited) એ મહત્વનો નિર્ણય લીધો છે. મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાત્રે 12.30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે.

અમદાવાદમાં હાલ મેટ્રો ટ્રેનનો સમય સવારે 6.20 થી લઈને રાત્રિના 10 વાગ્યા સુધીનો છે. જો કે મેચના દિવસે મુસાફરોની સંખ્યા વધી શકે છે. ત્યારે મુસાફરોને કોઈ અગવડ ન પડે તે હેતુસર રાત્રિના 12.30 સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. જો કે આ પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મેટ્રોમાં બેસી શકાશે. મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના કોઈ પણ સ્ટેશન પર ઉતરી શકાશે. મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેન સાડા બાર વાગ્યે ઉપડશે.

સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ 50 રુપિયા રહેશે. જો કે આ ભાડું રાત્રિના 10 વાગ્યા પછી લાગુ થશે. ત્યાં સુધી નિયમિત ભાડા સાથે મુસાફરો યાત્રા કરી શકશે. રાતના 10 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. એ સિવાય પ્રવેશ મળશે નહિ.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. જ્યારે રાતના 10 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધી દર 6 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. ટિકિટ માટે મોટી લાઈનોમાં ઉભું રહેવું ન પડે તે માટે નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી મુસાફરો અગાઉથી ટિકિટો ખરીદી શકશે.