અલ્પેશ કથિરિયાનું નિવેદન, બે નંબરના ધંધાનો પર્દાફાશ કરીશું

કથિરિયાએ જણાવ્યું હતું કે, ‘ગોંડલ કોઈની જાગીર નથી, જ્યારે ઈચ્છા થશે ત્યારે અમે જઈશું અને હવે સંપૂર્ણ તૈયારી સાથે જઈશું. કારનો કાંચ તો ઠીક એક કાર્યકરની કોલર પણ પકડી ન શકે એવી તૈયારી રહેશે
રાજકોટના ગોંડલમાં થોડા દિવસ પહેલા ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજિક અને રાજકીય ઘમાસાણ થયું હતું. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાત આવ્યા હતા. જેમાં અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો થયો હતો. જ્યારે સુરતમાં સમસ્ત કથિરિયા પરિવાર દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, ‘ગોંડલમાં ચાલતા બે નંબરના ધંધાનો પર્દાફાશ કરીશું, આ લડાઈ કોઈ સમાજની સામે નથી. હવે અમે શનિ-રવિની રજામાં અને વેકેશનમાં ગોંડલ ફરવા જઈશું.’

સુરતના સમસ્ત કથિરિયા પરિવાર દ્વારા આયોજિત સન્માહ સમારોહ કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયાએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં કથિરિયાએ ગોંડલને લઈને નિવેદન આપ્યું હતું. કથિરિયાએ જણાવ્યું હતું કે, ‘ગોંડલ કોઈની જાગીર નથી, જ્યારે ઈચ્છા થશે ત્યારે અમે જઈશું અને હવે સંપૂર્ણ તૈયારી સાથે જઈશું. કારનો કાંચ તો ઠીક એક કાર્યકરની કોલર પણ પકડી ન શકે એવી તૈયારી રહેશે. ગોંડલમાં ચાલતા બે નંબરના ધંધાને પૂરાવા સાથે જણાવીશું.’
કથિરિયાએ કહ્યું કે, ‘ગોંડલની લડત કોઈ વ્યક્તિ માટે કે વ્યક્તિ સામે નથી અને કોઈ સમાજ સામે પણ નથી. જ્યારે છેલ્લા 6 મહિનામાં પાંચ એવી ઘટના સર્જાઈ. પાટીદાર યુવકને માર માર્યો, કોળી સમાજના સરપંચને માર માર્યો, જાટ સમાજના યુવકનું મોત થયું. ગોંડલ પંથકની અંદર તમે કોઈપણ વિસ્તારમાં જાવ તો ડર એટલો બધો પેસી ગયો છે. હું દાવા સાથે કહું છું કે, આગામી દિવસોમાં ત્યાં શું-શું થાય છે તે પુરાવા સાથે આપીશ.’