PM મોદીએ દિવાળી પહેલા યુવાનોને આપી મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા દેશના યુવાનોને મોટી ભેટ આપી છે. PMએ આજે ​​એટલે કે શનિવાર, 28 ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 50,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ અવસરે બોલતા વડાપ્રધાને કહ્યું કે, રોજગાર મેળા અંતર્ગત અત્યાર સુધીમાં લાખો યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે ઓક્ટોબરમાં રોજગાર મેળો શરૂ થયો હતો. કેન્દ્રમાં અને NDA અને ભાજપ શાસિત રાજ્યોમાં ‘રોજગાર મેળાઓ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લાખો યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આજે 50 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારે રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ ઈન્ડસ્ટ્રી અને ઓટોમેશન જેવા પરંપરાગત તેમજ ઉભરતા ક્ષેત્રોમાં રોજગારીની તકો પૂરી પાડી છે. વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, “રોજગાર મેળો રોજગારની તકો પૂરી પાડશે. યુવાઓ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે ભારત તેના યુવાનોને કૌશલ્ય અને શિક્ષણથી સજ્જ કરી રહ્યું છે, જેથી તેઓ ઉભરતી તકોનો લાભ લઈ શકે. ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે અને જે ઝડપે તે આગળ વધી રહ્યું છે તે તમામ ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.