ગુજરાત માટે ગોઝારો મંગળવાર

રાજ્યમાં આજે અકસ્માતની બે ઘટના બની છે. જેમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે બીજી ઘટના સુરેન્દ્રનગર લખતર હાઇવે પર બની હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે.

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર અકસ્માત
દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના ઝામર ગામ નજીક અકસ્માત
દાહોદ બાદ સુરેન્દ્રનગરના લખતરના ઝામર ગામ નજીક ટ્રક અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત પલાસા ખાતે માતાજીની બાધા પુરી કરવા જતાં સમયે થયો હતો. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ તરફ અન્ય બે વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.