‘સિંધુ’ પર સીએમ યોગીની ટિપ્પણીથી બોખલાયું પાકિસ્તાન
પાકિસ્તાને સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની ટીકા કરતા કહ્યું કે, દક્ષિણ સિંધ પ્રાંત ‘સિંધુ’ પરત લેવા અંગેની તેમની “અત્યંત બેજવાબદાર ટિપ્પણી” ગંભીર ચિંતાનો વિષય છે. બે દિવસીય રાષ્ટ્રીય સિંધી કોન્ફરન્સને સંબોધતા આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે, “જો રામજન્મભૂમિને પાંચસો વર્ષ પછી પાછી લઈ શકાય છે, તો કોઈ કારણ નથી કે આપણે સિંધુ (સિંધ પ્રાંત, જે હવે પાકિસ્તાનમાં છે) પાછું લઈ ન શકીએ.
આ મુદ્દા પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે, નેતાની ભડકાઉ ટિપ્પણીઓ ‘અખંડ ભારત’ (અવિભાજિત ભારત)ના અર્થહીન દાવાથી પ્રેરિત છે અને ઇતિહાસના વિકૃત દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
તેમણે કહ્યું, “અમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી અત્યંત બેજવાબદાર ટિપ્પણીની નિંદા કરીએ છીએ.”
બલોચે કહ્યું કે, તે ગંભીર ચિંતાનો વિષય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેમના વિભાજનકારી અને સંકુચિત રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે આવા વિચારોને વધુને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે.