સંરક્ષણ મંત્રાલયની ફરી કોન્ફરન્સ : કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, ‘ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું’

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયા બાદ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ફરી કોન્ફરન્સ યોજી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયા બાદ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ફરી કોન્ફરન્સ યોજી છે. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, ‘પાકિસ્તાન ખોટા અહેવાલો ફેલાવી રહી છે. પાકિસ્તાનની પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું છે કે, ભારતીય સેનાએ મસ્જિદોને નિશાન બનાવ્યા, જોકે આવું કંઈ થયું જ નથી. અમે આતંકીઓને નિશાન બનાવી જવાબદારીથી કાર્યવાહી કરી હતી.’
ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ તૈયાર અને સતર્ક : કર્નલ કુરેશી
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, ‘પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સિસ્ટમને બેકાર કરી દીધા છે. નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના કમાન્ડ એન્ડ કંટ્રોલ લોજિસ્ટિક, તેમના મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈનિકોને ઘણું નુકસાન થયું છે. સેનાએ પાકિસ્તાનની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓ નષ્ટ કરી દેવાઈ છે. હું ફરી કહેવા માંગું છું કે, ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ તૈયાર અને સતર્ક છે અને ભારતની સંપ્રભુતા અને અખંડતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ સમર્પિત છે.’
‘ભારતે મસ્જિદોને નુકસાન કર્યું હોવાની વાત ખોટી’
તેમણે કહ્યું કે, ‘ભારતે મસ્જિદોને નુકસાન પહોંચાડ્યું હોવાનું પાકિસ્તાન દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જોકે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને ભારતની સેના તેના મહત્ત્વને જાણે છે. અમે તેમના મિલેટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું છે. ભારતે પાકિસ્તાનના એરફીલ્ડ સ્કર્દૂ, જકૂબાબાદ, સરગોદા અને બુલારીને ઘણું નુકસાન કર્યું છે.’
પાકિસ્તાન દ્વારા ખોટી માહિતી ફેલાવવાના ચલાવાત અભિયાનનો ઉલ્લેખ કરી કર્નલ સોફિયાએ કહ્યું કે, ‘પાકિસ્તાને JF-17 દ્વારા આપણા S-400 અને બ્રહ્મોસ મિસાઈલ બેઝને નુકસાન પહોંચાડ્યું હોવાનો તેમજ આપણા એરફીલ્ડ સિરસા, જમ્મુ, પઠાણકોટ અને ભુજ પર હુમલો કર્યો હોવાની વાત પણ ખોટી છે. આ ઉપરાંત આપણા ચંડીગઢ અને વ્યાસ સ્થિત હથિયાર ભંડારો ઉપર હુમલો થયો હોવાની માહિતી પણ ખોટી છે.’
…તો પાકિસ્તાનને નિર્ણાયક જવાબ અપાશે : કમોડોર નાયર
કમોડોર રઘુ આર.નાયરે કહ્યું કે, ‘ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માતૃભૂમિની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સંપૂર્ણપણે તૈયાર અને સતર્ક છીએ. પાકિસ્તાનના કોઈપણ હરકતનો બળપૂર્વક જવાબ આપવામાં આવ્યો છે, જો તેઓ તણાવ વધુ વધારવાનો પ્રયાસ કરશે તો તેમને નિર્ણાયક જવાબ આપવામાં આવશે.’