ગુજરાતમાં યુનિવર્સિટી-કોલેજોની પરીક્ષા રદ કે મોકૂફ રખાઈ નથી, વાઈરલ પરિપત્ર ફેક

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સંઘર્ષ અને તણાવભરી સ્થિતિને લઈને સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેકશન ઓફિસર અને બેલિફની પોસ્ટ માટેની એનટીએની 11મીની પરીક્ષા પણ મોકૂફ કરાઈ છે. જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુનિ.-ઓ-કોલેજોની પરીક્ષાઓ રદ કરવા માટે કોઈ પણ પ્રકારનો પરિપત્ર થયો નથી. સોશિયલ મીડિયામાં ફેક લેટર ફરતો થયો છે.
યુનિ.-કોલેજોની પરીક્ષા રદ થઈ હોવાનો ફેક લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મહત્વની જાહેરાત કરવામા આવી છે કે દેશમાં હાલ સુરક્ષાની ગંભીર સ્થિતિને લઈને સીએની બાકીની તમામ પરીક્ષાઓ મોકૂફ કરવામા આવે છે. ઈન્સ્ટિટ્યુટ દ્વારા દેશભરમાં સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટ પ્રોગ્રામની મે સેશનની પરીક્ષાઓ ચાલી રહી હતી અને જે 14મી સુધી ચાલનાર હતી.પરંતુ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આ પરીક્ષાઓ મોકૂફ કરી દેવામા આવી છે.

આ ઉપરાંત પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ એક્ઝામિનેશન-ઈન્ટરનેશનલ ટેકસેશન એસેસમેન્ટ ટેસ્ટ પણ મોકૂફ કરી દેવામા આવી છે.આ પરીક્ષાઓની નવી તારીખો ઈન્સ્ટિટ્યુટ દ્વારા પછીથી જાહેરાત કરવામા આવશે.આ ઉપરાંત ઉમેદવારોની રજૂઆતોને પગલે એનટીએ દ્વારા 11મીએ લેવાનાર ડેપ્યુટી સેકશન ઓફિસર અને બેલિફ(પ્રોસેસ સર્વર) ભરતી માટેની પરીક્ષા પણ મોકૂફ કરાઈ છે.
યુજીસી દ્વારા સ્પષ્ટતા
જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામા આવી છે કે યુનિ.-ઓ અને કોલેજોની પરીક્ષાઓને લઈને કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કે સર્ક્યુલર કરવામા આવ્યો નથી. સોશિયલ મીડિયામાં યુજીસીના નામે બનાવટી પબ્લિક નોટિસ ફરી રહી છે.જેમાં જણાવવામા આવ્યું છે કે હાલ ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લીધે યુજી,ડિપ્લોમા અને સર્ટિફિકેટ લેવલના તમામ કોર્સની પરીક્ષાઓ તાકીદથી રદ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સલામતી-સુરક્ષાને ઘ્યાને રાખતા તેઓના ઘરે બને તેટલુ જલ્દીથી જતા રહે.જો કે યુજીસીએ સ્પષ્ટતા કરી છે કે આ ફેક નોટિસ છે. યુજીસી દ્વારા આવી કોઈ નોટિસ ઈસ્યુ કરાઈ નથી કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આ પ્રકારની કોઈ સૂચના અપાઈ નથી.