ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીનો 80% પાક નિષ્ફળ, બાકી 20%ને માવઠું નડ્યું

તાલાલા પંથકમાં બે દિવસ ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદથી કેરીના પાક તથા ઉનાળું ફસલને થયેલા નુકસાનનો સર્વે કરાવી નિષ્ફળ ગયેલા કેરી તથા ઉનાળું પાકનું વળતર ચૂકવવા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. 

ખેડૂતોને મોંઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો

ખેડૂતો તરફથી મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણ છોડવડિયા અને આપના અગ્રણી પ્રવીણ રામએ પાઠવેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે, તાલાલા પંથકમાં આ વર્ષે ગ્લોબલ વોમગના કારણે કેરીનો 80 ટકા પાક બળી ગયો હતો. બચી ગયેલા 20 ટકા જેટલા કેરીના પાકને માવઠાંનો માર લાગ્યો છે. જેથી તાલાલા પંથકમાં કમોસમી વરસાદથી કિસાનોને ‘પડ્યા પર પાટું’ જેથી સ્થિતિ ઊભી થઈ છે.

વધુમાં જણાવ્યું છે કે, કેસર કેરી ઉપરાંત તાલાલા પંથકમાં ખેડૂતોએ તલ, મગ, અડદ, બાજરો જેવી ઉનાળું ફસલનું પણ વાવેતર કર્યું છે. જેમાં સારી ઉપજ થવાથી સારી આવક થવાની ખેડૂતોને આશા હતી. પરંતુ ભારે પવન સાથે બે દિવસ પડેલા અવિરત કમોસમી વરસાદથી ખેતીપાકને પારાવાર નુકસાન થયું છે. જેથી ખેડૂતોને મોંઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. તાલાલા પંથકમાં બે દિવસ પડેલો વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બની ગયો હતો.

પરિણામે કમોસમી વરસાદથી કેરીના પાક તથા ઉનાળુ ફસલને થયેલા નુકસાનનો તુરંત સર્વે કરાવી ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે એ જરૂરી હોવાની માંગણી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.