ભારતના ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ પણ તબાહ, આજે રાત્રે રમાવાની હતી મેચ

ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, સિયાલકોટ અને ગુજરાંવાલા સહિત 6 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા

ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, સિયાલકોટ અને ગુજરાંવાલા સહિત 6 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં રાવલપિંડી સ્ટેડિયમને પણ ભારે નુકસાન થયાના અહેવાલ છે. આ સ્ટેડિયમમાં આજે રાત્રે પાકિસ્તાન ક્રિકેટ લીગની મેચ રમાવાની હતી. આ ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું લાહોર સ્થિત એર ડિફેન્સ યુનિટ પણ તબાહ થઈ ગયું છે. 

આ પહેલા પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ભારતના 15 સૈન્ય સ્થળોએ મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતા. જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ આ હુમલાનો જવાબ આપતાં આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી સહિત છ સ્થળોએ ડ્રોન વડે હુમલો કર્યો હતો. જેમાં રાવલપિંડીનું સ્ટેડિયમ, લાહોરમાં એર ડિફેન્સ યુનિટ નષ્ટ થયું છે. ભારતના પલટવારથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઇમરજન્સી બેઠક બોલાવી છે.

આજે રમાવાની હતી મેચ

રાવલપિંડી સ્ટેડિયમમાં આજે રાત્રે પાકિસ્તાન સુપર લીગ(PSL)ની મેચ રમાવાની હતી. બીજી બાજુ ભારતમાં ચાલી રહેલી આઇપીએલ મેચના સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવના કારણે 11 મેના રોજ હિમાચલના ધર્મશાલામાં રમાનારી મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ધર્મશાલાના બદલે અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવી છે.

પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટીંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઈ અને ગુજરાતના ભુજમાં ડ્રોન અને મિસાઇલ વડે હુમલા કર્યા હતા.