દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી

પસંદ કરાયેલા તમામ 244 જિલ્લાઓમાં અભ્યાસ કરાયો.યુદ્ધની સ્થિતિમાં હવાઇ હુમલા, આગ-ઇમારતોના કાટમાળથી સ્વબચવા, લોકોને રેસ્ક્યૂ કરવા સહિતની તાલિમ અપાઇ,દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, બેંગલુરુ, હૈદરાબાદ, ચંડીગઢ સહિતના શહેરોમાં લાઇટો બંધ રખાઇ, સરહદી રાજ્યો પર વિશેષ ધ્યાન અપાયું

પાકિસ્તાન પર મિસાઇલ હુમલા વચ્ચે ભારતમાં અનેક જિલ્લાઓમાં મોક ડ્રિલ યોજવામાં આવી હતી, દુશ્મન દેશ તરફથી કોઇ હવાઇ કે મિસાઇલ હુમલો થાય તો તેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા કેમ કરવી તેનો અભ્યાસ હાથ ધરાયો હતો. આ ઉપરાંત રાત્રે હુમલાથી બચવા માટે લાઇટો બંધ રાખવી એટલે કે બ્લેકઆઉટનો અભ્યાસ પણ થયો હતો. ખાસ કરીને મોટા શહેરો જેમ કે દિલ્હી, મુંબઇ, કોલકાતા આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ રાત્રીના સમયે લાઇટો બંધ રખાઇ હતી. મોટાભાગના પસંદગી કરાયેલા શહેરોમાં સાંજે ચાર વાગ્યા બાદ મોક ડ્રિલ યોજાઇ હતી.

બુધવારે દેશભરમાં મોટા શહેરોમાં મોક ડ્રિલના ભાગરુપે લાઇટો બંધ રાખીને બ્લેકઆઉટ કરાયું હતું, ખાસ કરીને દિલ્હી, મુંબઇ, પુણે, બેંગાલુરુ, પટના, જયપુર, ગ્વાલિયર, સુરત વગેરે શહેરોમાં રાત્રે અંધારપટ્ટ જોવા મળ્યો હતો. જ્યારે પસંદ કરાયેલા જિલ્લાઓમાં નાગરિકોને ચેતવણી આપતી સાયરનો વાગી હતી. બ્લેકઆઉટ ઉપરાંત હુમલા સમયે કોઇ નાગરિક ઘાયલ થઇ જાય તો તેને કેવી રીતે ઇમારતમાંથી બહાર કાઢવો, આગ લાગે તેવી સ્થિતિમાં આગ ઠારવા શું પ્રયાસ કરવા, કોઇ શાળાને નિશાન બનાવાઇ તો વિદ્યાર્થીઓએ સ્વબચાવ માટે શું કરવું, હોસ્પિટલોમાં ઘાયલોને ઇમર્જન્સીની સ્થિતિમાં દાખલ કરવાની પ્રક્રિયાથી લઇને તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને મોક ડ્રિલ કરાઇ હતી. 

સમગ્ર દેશમાં મોક ડ્રિલ માટે આશરે ૨૪૪ જિલ્લાઓને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, બેંગલુરુ, હૈદરાબાદ, ચંડીગઢ વગેરેને સિવિલ ડિફેન્સ જિલ્લાઓ તરીકે પસંદ કરાયા હતા. જેમાં સૌથી વધુ બંગાળના ૩૨, રાજસ્થાનના ૨૮, આસામના ૨૦, પંજાબના ૨૦, જમ્મુ કાશ્મીરના ૨૦ જિલ્લાઓનો સમાવેશ થાય છે. દેશના કેટલાક મોટા ધાર્મિક સ્થળો જેમ કે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પણ મોક ડ્રિલ કરાઇ હતી. છેલ્લે ૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ સમયે આ પ્રકારની મોક ડ્રિલ ભારતમાં યોજવામાં આવી હતી, જે બાદ પ્રથમ વખત દેશભરમાં આવી મોક ડ્રિલ જોવા મળી હતી. મોટાભાગના શહેરોમાં રાત્રીના સાડા સાત વાગ્યા બાદ બ્લેકઆઉટ જોવા મળ્યો હતો. કોઇ રાજ્યમાં ૧૦ મિનિટ તો કોઇ રાજ્યમાં અડધો કલાક સુધી લાઇટો બંધ રહી હતી. આ મોક ડ્રિલનો ઉદ્દેશ્ય યુદ્ધ જેવી ઇમર્જન્સીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા કેવી રીતે કરવી તેની તાલિમ આપવાનો અને લોકોને જાગૃત કરવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ સહિતના સુરક્ષાદળો, સામાન્ય નાગરિકો, ફાયર કર્મચારીઓ, હોસ્પિટલ-રેલવે સ્ટાફ વગેરેએ ભાગ લીધો હતો.