કમોસમી વરસાદના કારણે ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન, ખેડૂતોને આવ્યો રડવાનો વારો

વામાન વિભાગે હજુ 4 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી કરી છે

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે હવામાન વિભાગે હજુ 4 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી કરી છે, ત્યારે કમોસમી વરસાદના કારણે બનાસકાંઠા, પાલનપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના કેરી, ટેટી સહિતના પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યારે અમરેલીના ભીલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી જતાં ખેડૂતો-વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. 

રાજ્યભરમાં અચાનક વાતાવરણ પટલાયું છે, ત્યારે આજે રવિવારે (4 મે, 2025) અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં માવઠાના કારણે બનાસકાંઠાના એક ખેડૂતે 18 વીધામાં વાવેલી ટેટીઓ બગડી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ખેડૂતનું કહેવું છે. જ્યારે ખેડૂતે સરકાર પાસે પાક નુકસાનીના વળતરની માગ કરી હતી.

જ્યારે કમોસમી વરસાદના કારણે પાલનપુરમાં 500 જેટલાં આંબાઓ પરની કેરીઓ ખરી પડી હતી. પાલનપુરના ખેડૂતે આશરે 8 લાખ રૂપિયામાં આંબાવાડી ઈજારા પર રાખી હતી. જ્યારે હવે પવન અને માવઠું થવાથી આંબાઓ પરની કેરીઓ ખરી પડતાં ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ છે. 

ગુજરાતમાં અનેક જગ્યાએ આજે રવિવારે કમોસમી વરસાદ વરસતા અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. જેમાં અમરેલીના ભીલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી જતાં ખેડૂતો-વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં કમોસમી વરસાદની હેવામાન વિભાગની આગાહી હોવા છતાં યાર્ડ તંત્ર દ્વારા ઘઉં, મકાઈ, સોયાબીન સહિતનો પાક ખુલ્લામાં રાખવાથી પાક પલળ્યો હતો. જ્યારે પાકને નુકસાન થયાં ખેડૂતો-વેપારીઓએ સરકાર પાસે વળતરની માગ કરી હતી.