‘કર્તવ્ય પાલન કર્યું હોત તો ગોધરા કાંડ ન થયું હોત..’ ગુજરાત હાઈકોર્ટે કોને સંભળાવ્યું?

વર્ષ 2002ના ગોધરા કાંડ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે 27મી ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસની સુરક્ષા ફરજ પર તહેનાત 9 રેલવે પોલીસકર્મીઓ (GRP)ની બરતરફીને સમર્થન આપ્યું છે, પરંતુ ટ્રેન મોડી પડવાના કારણે તેઓ ફરજ પર હાજર થયા ન હતા અને બીજી ટ્રેન દ્વારા પાછા ફર્યા હતા.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટીએ 24મી એપ્રિલના રોજ આપેલા તેમના આદેશમાં કહ્યું હતું કે, ‘જો આ પોલીસકર્મીઓ સાબરમતી એક્સપ્રેસમાં સવાર હોત, તો ગોધરા સ્ટેશન નજીક ટ્રેનમાં આગ લગાવવાની ઘટના, જેમાં 59 મુસાફરોના મોત થયા હતા, તેને રોકી શકાઈ હોત.’
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ‘પોલીસકર્મીઓએ રજિસ્ટરમાં ખોટી નોંધો કરી અને શાંતિ એક્સપ્રેસ દ્વારા અમદાવાદ પાછા ફર્યા. જો તેમણે સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી હોત, તો ગોધરા ઘટના રોકી શકાઈ હોત. આ ઘોર બેદરકારી અને ફરજમાં બેદરકારી છે. પોતાની ફરજના ભાગ રૂપે, આ પોલીસકર્મીઓને દાહોદ સ્ટેશનથી સાબરમતી એક્સપ્રેસમાં ચઢીને અમદાવાદ સુધી ટ્રેનમાં પેટ્રોલિંગ કરવાનું હતું, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે ટ્રેન મોડી છે, ત્યારે તેઓ શાંતિ એક્સપ્રેસમાં પાછા ફર્યા.’

આ ઘટનાની તપાસ કર્યા પછી, ગુજરાત સરકારે 2005માં નવ GRP કર્મચારીઓને સસ્પેન્ડ અને બરતરફ કર્યા, જેમાં ત્રણ સશસ્ત્ર અને છ નાગરિક પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. તેમણે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો, પરંતુ કોર્ટે સરકારના નિર્ણયને માન્ય રાખ્યો.
સરકારે દલીલ કરતા જણાવ્યું હતું કે, ‘આ પોલીસકર્મીઓએ ફરજ ટાળવા માટે બીજી ટ્રેન જ નહીં, પણ દાહોદ સ્ટેશન પર ખોટી એન્ટ્રી પણ કરી હતી, જેના કારણે કંટ્રોલ રૂમમાં ખોટી માહિતી મોકલી હતી કે ટ્રેનમાં સુરક્ષા હાજર છે. સાબરમતી એક્સપ્રેસને ‘A શ્રેણી’માં મૂકવામાં આવી હતી, જ્યાં ચેઇન પુલિંગ, ઝઘડા અને અન્ય ગુનાઓ વારંવાર બનતા હોય છે, તેથી સુરક્ષા ટીમ હોવી ફરજિયાત હતી.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટીએ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે અરજદારોએ તેમની જવાબદારીને ગંભીરતાથી લીધી ન હતી અને આટલી મહત્ત્વપૂર્ણ ફરજને હળવાશથી લીધી હતી.’ કોર્ટે આ મામલે કોઈ પણ પ્રકારની દખલગીરી વાજબી ન હોવાનું ઠરાવ્યું અને કલમ 226 હેઠળ અરજીઓ ફગાવી દીધી. આ નિર્ણય માત્ર ફરજમાં બેદરકારીના ગંભીર પરિણામોને જ ઉજાગર કરતો નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે સુરક્ષા વ્યવસ્થામાં નાની ભૂલ પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે.