કુતિયાણાના હિરલબા જાડેજાની તબીયત લથડી, હવે કેસમાં શું આવશે વળાંક!

પૂછપરછ શરૂ થતા હિરલબાની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા
મૂળ પોરબંદરના કુછડી ગામની તથા હાલ ઇઝરાયેલ રહેતી લીલુ ઓડેદરા નામની એક મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો વાઇરલ કરીને તેના પિતા, પતિ અને પુત્રને 70 લાખ રૂપિયાની લેતીદેતીના પ્રશ્ને હિરલબા જાડેજા અને તેના માણસોએ સૂરજ પેલેસ બંગલે ગોંધી રાખ્યાની ફરિયાદ કર્યા બાદ પોરબંદર જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેમાં હિરલબા અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો હતો. જે પૈકી હિરલબાને બે દિવસના અને તેના સાગરીત હિતેશ ઓડેદરા ને ચાર દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે.

પૂછપરછ શરૂ થતા હિરલબાની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ખાસ અપીલ કરીને જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિઓને ધાકધમકી અપાઈ હોય અથવા મિલકત પડાવાઇ હોય તો ગમે ત્યારે નીડરતાથી પોલીસનો સંપર્ક સાધે તે જરૂરી છે. પોલીસ તેમને મદદ કરશે તેવી જાણ કરવામાં આવી છે.

પોરબંદરના નજીકના કુછડી ગામે રહેતી અને હાઈ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કરીને રડતા રડતા એવું જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને પોરબંદરના એસ.પી. તેમને મદદ કરે તેવી માંગણી છે. હિરલબા જાડેજા અને તેના માણસોએ લીલુબેનના પતિ અને 17 વર્ષના પુત્રને સુરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્યા છે અને લીલુબેને લીધેલા રૂપિયા પાછા આપવા તેમની દબાણ કરી રહ્યા છે. બંગલે ગોંધી રાખવામાં આવેલા દીકરાનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. મદદ માંગવા છતાં કોઈ તેઓને મદદ કરવા આગળ આવતું નથી.
આ પ્રકારના ગંભીર આક્ષેપો થયા ત્યારે હિરલબા જાડેજાએ એવું જણાવ્યું હતું કે તેમણે કોઈને ગોંધી રાખ્યા નથી. પરંતુ ઉલ્ટાના લીલુબેનના પતિ અને પુત્રને બીજા લોકો પૈસા માટે હેરાન કરતા હોવાથી એ બંને ખુદ જાતે જ હિરલબાની મદદ માંગવા માટે આવ્યા હતા અને હિરલબાએ તેઓને મદદ કરી હતી. રૂપિયાની લેતીદેતીના પ્રશ્ને ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ ફગાવી દીધા હતા.