પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ

આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધુ ખરાબ

આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધુ ખરાબ થઈ રહ્યા છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાના એરપોર્ટના દરવાજા અને એર સ્પેસ પણ બંધ કરી દીધા છે. એવામાં ભારતીય એરલાઇન્સ, જે મોટાભાગની ઉડાન યુરોપ માટે ભરે છે, તેણે પોતાના ઈંધણ ખર્ચમાં વધારો અને ઉડાનના સમયગાળામાં લાગતા સમયના હિસાબે પોતાના નુકસાનનું મૂલ્યાંકન કરી તે મુજબની તૈયારી શરૂ કરી છે. 

એર ઈન્ડિયા દ્વારા સરકારને એક પત્ર લખી કહ્યું કે, 27 એપ્રિલે એર ઈન્ડિયાએ ભારત સરકારને પાકિસ્તાની એરસ્પેસ બંધ કરવાના પ્રભાવનો સામનો કરવા સબસિડી મોડેલ લાગુ કરવાની વિનંતી કરી છે. એર ઈન્ડિયાએ મૂલ્યાંકન કર્યું છે કે, પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી દર વર્ષે લગભગ 591 મિલિયન ડૉલરનું નુકસાન થશે. તેને ઓછું કરવા માટે અને ફ્લાઇટ પ્રભાવિત ન થાય તે માટે સબસિડી એક યોગ્ય વિકલ્પ છે. જ્યારે પરિસ્થિતિમાં સુધારો આવી જાય ત્યારે સબસિડી બંધ કરી દેવી જોઈએ. પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાના કારણે તેની સૌથી વધારે અસર અમારી એરલાઇન પર જ છે. કારણ કે, અમારી પાસે જ સૌથી વધારે ફ્લાઇટ અને ક્રૂ છે. 

નોંધનીય છે કે, આ પત્રને લઈને એર ઈન્ડિયાએ કોઈ સાર્વજનિક ટિપ્પણી નથી કરી અને ન તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી તેના પર કોઈ જવાબ આપવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકારે એરલાઇન્સને પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાની અસરનું મૂલ્યાંકન કરવાનું કહ્યું હતું, જેનો જાબ આપતા એર ઈન્ડિયાએ પોતાના વિચારને સરકાર સામે પત્રના રૂપે મોકલ્યા છે.