સુરતમાંથી ઝડપાયો અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલ શખ્સ

સુરત ક્રાઇમ બ્રાંચે (Surat Crime Branch) વેસુમાંથી બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે. NIAની તપાસમાં આ વ્યક્તિ વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ છે. આરોપીનું નામ અબુ બકર હજરતઅલી હોવાનું સામે આવ્યુ છે. આરોપી બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો હતો. આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળી આવ્યું છે. તો ઝડપાયેલો બાંગ્લાદેશી ઈસમ અલ કાયદાના વોન્ટેડ આરોપીના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે.

આરોપી તેના એક મિત્રના ત્યાં વેસુ વિસ્તારમાં ટેઇલરિંગનું કામ કરવા માટે મળવા આવ્યો હતો. NIA છેલ્લા ઘણા સમયથી અલ-કાયદાની તપાસ કરી રહ્યુ છે. ત્યારે તેમને અલ-કાયદા (AQIS)ના વોન્ટેડ આરોપી હુમાયુખાન સાથે આ બાંગ્લાદેશી નાગરિક સોશિયલ મીડિયા પર વાત કરતો હોવાની માહિતી મળી હતી.જેના આધારે દરોડા પાડીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લેતા તેણે પોતે ભારતીય નાગરિક હોવાનું જણાવ્યુ હતુ.તેણે ક્રાઇમ બ્રાંચને પોતાનું આધાર કાર્ડ પણ બતાવ્યુ હતુ. જો કે ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. જે પછી તપાસ કરતા આધાર કાર્ડ નકલી હોવાનું સામે આવ્યુ હતુ. આરોપી પાસેથી નકલી આધારકાર્ડ, 2 મોબાઇલ અને અન્ય ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. માહિતી મળી રહી છે કે આરોપી બોગસ દસ્તાવેજના આધારે ખોટુ નામ ધારણ કરી રહેતો હતો. તે 2015થી અમદાવાદમાં બોગસ આધારકાર્ડ બનાવી રહેતો હતો.