શ્વાનના હુમલાએ લીધો વાઘ બકરી ચાના માલિકનો જીવ
ચા કંપની વાઘ બકરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે 49 વર્ષની વયે અવસાન થયું. કંપનીએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. પડી જવાથી માથામાં ઈજા થતાં તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. કંપનીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “અત્યંત દુઃખ સાથે અમે અમારા પ્રિય પરાગ દેસાઈના દુઃખદ અવસાનની જાહેરાત કરીએ છીએ…”
પરાગ દેસાઈને ગયા અઠવાડિયે તેમના ઘર નજીક પડી જતાં માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, પરાગ દેસાઈ સાથે આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેમના પર રખડતા કૂતરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો.
વાઘ બકરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના નિધન પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું, “ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા… વાઘ બકરી ટીના ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું અવસાન થયું છે… પડી ગયા પછી તેમને બ્રેઈન હેમરેજ થયું… તેમના આત્માને શાંતિ મળે… સમગ્ર ભારતમાં ફેલાયેલ વાઘ બકરી પરિવાર સાથે મારી સંવેદના છે…”
વાઘ બકરી ટી ગ્રૂપના બોર્ડના બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ પૈકીના એક પરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ કંપનીએ ટી લાઉન્જ અને ઈ-કોમર્સ ક્ષેત્રે સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો. પરાગ દેસાઈ ગૃપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગના વડા પણ હતા.