વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ: મહેસાણાના બે સહિત ઉ.ગુ.વીજકંપનીનાં 11 કર્મીની ધરપકડ

વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિ આચરી પાસ થવાના કૌભાંડમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ત્રણ ટીમોએ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધામા નાખી હાલ ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં નોકરી કરતાં 11 કર્મચારીઓની ધરપકડ કરી છે. જેમાં મહેસાણા જિલ્લામાંથી વિસનગરની ધરોઇ કોલોની રોડ સ્થિત પુષ્પકુંજ સોસાયટીમાં રહેતાં જીજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ અને સતલાસણા તાલુકાના સરતાનપુર ગામના પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓએ ભરતીની ઓનલાઇન પરીક્ષામાં એજન્ટને રૂ.7 થી 10 લાખ આપી પાસ થયાનું પોલીસે જણાવ્યું હતું.

વર્ષ 2020-21 દરમિયાન રાજ્યની દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની, અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશનમાં 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ) માટે ભરતી પરીક્ષા યોજાઇ હતી.

જેમાં પરીક્ષા કેન્દ્રોના માલિકો, કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને એજન્ટોએ લાખો રૂપિયા લઇ ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવ્યાનું બહાર આવતાં ડીસીબી પોલીસ સ્ટેશન સુરતમાં ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે અગાઉ સંચાલકો, મુખ્ય એજન્ટો સહિત કુલ 17 આરોપીઓની ધરપકડ કરાઇ હતી.

ધરપકડ કરાયેલાં 11 કર્મચારી
1. નિશાબેન પ્રકાશભાઈ પટેલ મહાવીરનગર, હિંમતનગર
2. જલ્પાબેન ભૌમિકકુમાર પટેલ હડિયલો, તા.હિંમતનગર
3. ઉપાસનાબેન ચિરાગભાઈ સુતરીયા બડોલી, તા.ઈડર
4. નીલમબેન વિક્રમભાઈ ચાવડા ચોરીવાડ, તા.ઈડર
5. જીજ્ઞાસા સંદીપભાઈ પટેલ ધરોઈકોલોની રોડ, વિસનગર
6. પ્રકાશકુમાર મગનભાઈ વણકર ભાદરડી, તા.હિંમતનગર
7. અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા ઈલોલ, તા.હિંમતનગર
8. મનીષ ધનજીભાઈ પારઘી માલીવાડા, તા.હિંમતનગર
9. રોહિતકુમાર મૂળજીભાઈ મકવાણા મોતીપુરા, હિંમતનગર
10. પ્રવીણ ધનજીભાઈ ચૌધરી સરતાનપુર, તા.સતલાસણા
11. આસિમભાઈ યુનુસભાલ લોઢા ઇલોલ, તા.હિંમતનગર