મહેસાણા રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 7ની લંબાઇ વધારવાનું કામ શરૂ કરાયું
વડનગર-વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાં 25 થી વધુ ડબ્બા આવતા હોઇ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 7 નાનું પડતું હતું. આ કારણે ટ્રેનના કેટલાક ડબ્બા પ્લેટફોર્મ બહાર ઉભા રહેતાં મુસાફરોને ટ્રેનમાં બેસવામાં મુશ્કેલી પડતી હતી. આ મામલે સાંસદ શારદાબેન પટેલ દ્વારા રેલવે મંત્રીને રજૂઆત કરાઈ હતી.જેને પગલે મહેસાણા રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મની લંબાઈ વધારવાની કામગીરી શરૂ કરાઇ છે અને હાલમાં 40 ટકા જેટલું કામ થઇ ગયું છે. નજીકના સમયમાં જ વધુ લંબાઈ ધરાવતું પ્લેટફોર્મ તૈયાર થઇ જશે. કામ પૂરું થયા બાદ ટ્રેનમાં બેસવા માટે મુસાફરોને પ્લેટફોર્મ વગર પરેશાનીનો સામનો નહીં કરવો પડે. ઉલ્લેખનિય છે કે, મહેસાણાના નાગરિકોને સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત તરફ જવા માટે આ ટ્રેન ખૂબ ઉપયોગી છે.