કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયો કોણ?
કતારની અદાલત દ્વારા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર ભારતે કહ્યું કે, તે આ નિર્ણયથી અત્યંત આઘાતમાં છે. ભારત સરકાર આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ તમામ આઠ ભારતીય નાગરિકો ‘અલ દહરા કંપની’ના કર્મચારીઓ છે, જેમને ગયા વર્ષે જાસૂસીના એક કથિત કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કતારના સત્તાવાળાઓ દ્વારા ભારતીયો પર લગાવવામાં આવેલા આરોપોને સાર્વજનિક કરવામાં આવ્યા નથી.પોતાની પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલય (MIA)એ કહ્યું કે, તે આ મામલાને વધુ મહત્વ આપી રહ્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યું છે.
કોણ છે તે 8 ભારતીયો?
ઓગસ્ટ 2022માં પકડાયેલા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓમાં કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ અને નાવિક રાગેશ ગોપકુમારનો સમાવેશ થાય છે. તમામ ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓનો ભારતીય નૌકાદળમાં 20 વર્ષ સુધીનો વિશિષ્ટ સેવા રેકોર્ડ છે અને તેઓએ સૈનિકોમાં પ્રશિક્ષક તરીકે સહિત મહત્વના હોદ્દાઓ પર સેવા આપી હતી. વર્ષ 2019માં, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા, જે વિદેશી ભારતીયોને આપવામાં આવેલું સર્વોચ્ચ સન્માન છે. તે સમયે, દોહામાં ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું હતું કે કમાન્ડર તિવારીને વિદેશમાં ભારતની છબી વધારવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
તેઓ કતારમાં શું કરી રહ્યા હતા?
તમામ આઠ ભારતીયો એક ખાનગી પેઢી, દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ માટે કામ કરતા હતા, જે કતારના સશસ્ત્ર દળો માટે તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. આ કંપની રોયલ ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ-અજમીની માલિકીની છે. ગયા વર્ષે ભારતીયોની સાથે અજામીની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બર 2022માં તેને છોડી દેવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃત્યુદંડ પર રહેલા કેટલાક ભારતીયો ખૂબ જ સંવેદનશીલ પ્રોજેક્ટ (ગુપ્ત વિશેષતાઓ સાથે ઇટાલિયન ટેક્નોલોજી પર આધારિત નાની સબમરીન) પર કામ કરી રહ્યા હતા. મે મહિનામાં, અલ દહરા ગ્લોબલે દોહામાં તેની કામગીરી બંધ કરી દીધી હતી અને ત્યાં કામ કરતા તમામ લોકો (મુખ્યત્વે ભારતીયો) ઘરે પરત ફર્યા છે.
શા માટે ભારતીયોની ધરપકડ કરવામાં આવી?
30 ઓગસ્ટ, 2022ના રોજ કતારની ગુપ્તચર એજન્સી દ્વારા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં નવાઈની વાત એ છે કે કતારના સત્તાવાળાઓ કે નવી દિલ્હીએ હજુ સુધી ભારતીય નાગરિકો પરના આરોપો જાહેર કર્યા નથી. અહેવાલો અનુસાર, કથિત જાસૂસી માટે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 25 માર્ચે આઠ ભારતીયો સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને કતારના કાયદા હેઠળ તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. તેની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને ગુરુવારે કતારની કોર્ટે તેની સામે પ્રથમ વખત ચુકાદો આપ્યો હતો.
કતારની કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ આ કેસમાં વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છે અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે. “અમે મૃત્યુદંડની સજાથી ઊંડો આઘાત અનુભવીએ છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ,” આ વાત વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવી હતી.