બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર ‘હમૂન’ વાવાઝોડામાં ફેરવાયું

સોમવારે સાંજે બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર ચક્રવાતમાં પરિવર્તિત થયું છે. જોકે, ભારતીય દરિયાકાંઠે તેની કોઈ મોટી અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. આ ચક્રવાતી તોફાનને ઈરાન દ્વારા આપવામાં આવેલા ‘હેમૂન’ નામથી ઓળખવામાં આવશે. IMDએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર બનેલું ડીપ પ્રેશર છેલ્લા છ કલાક દરમિયાન 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું.

IMDએ જણાવ્યું કે સાંજે 5.30 વાગ્યે, આ નીચા દબાણની સિસ્ટમ ઓડિશાના પારાદીપ કિનારેથી લગભગ 230 કિમી દૂર, પશ્ચિમ બંગાળમાં દિઘાથી 360 કિમી દક્ષિણમાં અને બાંગ્લાદેશના ખેપુપારાથી 510 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં સ્થિત હતી. આઇએમડીએ જણાવ્યું હતું કે, “તે આગામી 12 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.”

IMDએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ 25 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાની આસપાસ ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચેના બાંગ્લાદેશના દરિયાકાંઠે ડીપ ડિપ્રેશન તરીકે પાર થવાની સંભાવના છે. દરમિયાન, ઓડિશા સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે વહીવટીતંત્રને ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા પણ કહ્યું છે.

હવામાનશાસ્ત્રી યુ.એસ. દાસે કહ્યું, “આ સિસ્ટમ (ચક્રવાત) ઓડિશાના કિનારેથી લગભગ 200 કિલોમીટર દૂર દરિયામાં જશે. તેની અસરને કારણે સોમવારે દરિયાકાંઠાના ઓડિશામાં કેટલાક સ્થળોએ અને આગામી બે દિવસમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે મંગળવાર સવાર સુધીમાં બંગાળની ખાડી પર પવનની ગતિ ધીમે ધીમે 80-90 કિમી પ્રતિ કલાકથી વધીને 100 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. તેમણે કહ્યું કે, સંભવિત ચક્રવાતની ઓડિશા પર કોઈ સીધી અસર નહીં થાય, પરંતુ કેટલાક દુર્ગા પૂજા પંડાલોને નુકસાન થઈ શકે છે જે આટલી વધુ પવનની ઝડપને ટકી રહેવા માટે બનાવવામાં આવ્યા નથી.