વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી
ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના 162 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મધ્યપ્રદેશના 57, રાજસ્થાનના 41 અને છત્તીસગઢના 64 ઉમેદવારોના નામ સામેલ છે. આ મધ્યપ્રદેશની ચોથી યાદી, છત્તીસગઢની બીજી અને રાજસ્થાનની પ્રથમ યાદી છે. મધ્યપ્રદેશની 94, રાજસ્થાનની 159 અને છત્તીસગઢની 5 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે.
ભાજપે 17 ઓગસ્ટે એમપી વિધાનસભા ઉમેદવારોની પ્રથમ યાદી અને 25 સપ્ટેમ્બરે બીજી યાદી જાહેર કરી હતી. બંને યાદીમાં 39-39 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય 26 સપ્ટેમ્બરે ત્રીજી યાદીમાં ભાજપે મોનિકા બટ્ટીને છિંદવાડા જિલ્લાની અમરવાડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બુધની વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. 57 નામોની આ યાદીમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને દતિયા અને PWD મંત્રી ગોપાલ ભાર્ગવને રાહલી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે અત્યાર સુધી ચારેય યાદીમાં 136 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે 94 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આદર્શ આચારસંહિતા આજથી જ લાગુ થઈ ગઈ છે. મિઝોરમમાં 7 અને 17 નવેમ્બરે છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23 નવેમ્બર અને તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે. 3 ડિસેમ્બરે દરેક જગ્યાએ મતગણતરી કરવામાં આવશે.