રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલાયું
અમદાવાદ બાદ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. રાજકોટમાં ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ની AGMની બેઠક થઈ હતી જેમાં કમીટીના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શહેરના જામનગર રોડ પર સ્થિત ખંઢેરી સ્ટેડિયમના નામને બદલાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખંઢેરી સ્ટેડિયમને નવું નિંરજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. 1987માં પેહલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ લાવવામાં નિંરજન શાહની મુખ્ય ભૂમિકા હતી. નિરંજન શાહ 2 વખત BCCIના સેક્રેટરી રહી ચૂક્યા છે, જ્યારે નિરંજન શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી તરીકે સેવા આપી છે. તેમની ક્રિકેટ જગત ખાતેની યાત્રાની યાદી રૂપે એસોસિએશન દ્વારા આ ગૌરવભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે અને નામકરણનો ઠરાવ કરાતા પૂરા સૌરાષ્ટ્રના જુદા જુદા ક્રિકેટ એસો.માં ખુશીની લાગણી છવાઇ ગઇ છે.