હોકીમાં ભારતે જાપાનને હરાવ્યું

ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સ 2022નો ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમે ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવીને ચોથી વખત એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે કોચ ક્રેગ ફુલટનની ટીમ પણ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. એશિયન ગેમ્સ 2022માં ભારતનો આ 22મો ગોલ્ડ મેડલ છે. જાપાને 2018માં આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તાજેતરમાં નિયુક્ત કોચ ક્રેગ ફુલટનના નેતૃત્વમાં ભારતે 3 મહિનામાં બીજી મોટી સફળતા હાંસલ કરી છે. આ પહેલા ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ વખતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને ભારતે એશિયન હોકીમાં સંપૂર્ણ રીતે પોતાનું વર્ચસ્વ હાંસલ કર્યું છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી ઓલિમ્પિકની સીધી ટિકિટ મળી છે. ગત વખતે ભારતે ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ રમવાની હતી પરંતુ હવે તેની કોઈ જરૂર રહેશે નહીં.

ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું

ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રથમ મેચથી જ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એશિયન ગેમ્સમાં મેન્સ હોકી ટુર્નામેન્ટમાં કેટલો દબદબો છે તેનો અંદાજ સ્કોરકાર્ડ પરથી લગાવી શકાય છે. એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી સિંગાપોરને 16-1 અને બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ રાઉન્ડમાં જ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું.