ખેલ મહાકુંભમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ દિવ્યાંગ સ્વિમર ગરિમા વ્યાસની સિદ્ધિને મુખ્યમંત્રીએ બિરદાવી

સ્પેશિયલ ખેલ મહાકુંભની તૃતીય આવૃત્તિની તરણ સ્પર્ધામાં બે ગોલ્ડ પ્રાપ્ત કરનાર શહેરની દિવ્યાંગ ખેલાડી ગરિમા વ્યાસની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રસન્નતા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી. 

મુખ્યમંત્રીએ શુભેચ્છાપત્રમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનએ પ્રયોજેલો ‘દિવ્યાંગ’ શબ્દ આપ જેવા અડગ મનોબળ ધરાવતા પરિશ્રમી વ્યક્તિઓ દ્વારા સાર્થક સિદ્ધ થતો જોઈને આનંદ થાય છે. તંદુરસ્ત વ્યક્તિઓ માટે પણ કઠિન હોય તેવી સફળતા ગરિમાબેને પ્રાપ્ત કરી છે. મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિનો પરચમ લહેરાવી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ ગરિમાબેન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ 2010થી પ્રતિવર્ષ “ખેલ મહાકુંભ”ના આયોજન કરાવ્યાં હતાં. વર્તમાન સરકાર પણ આ પરંપરાને પ્રતિબદ્ધતા સાથે નિભાવી રહી છે. જેના પરિણામે યુવાનોને પોતાના રમતગમતનું કૌશલ્ય દર્શાવાના ઉત્તમ અવસરો પ્રાપ્ત થઈ રહ્યા છે. યુવાનોની રમતગમતમાં રુચિ અને સજ્જતામાં સારા પરિણામે વધારો વધારો થઈ રહ્યો છે.

પાવાગઢના પર્વતોમાં ટ્રેકિંગ દરમિયાન થયેલ અણધાર્યા અકસ્માતમાં શરીરના કમરથી નીચેના ભાગમાં સંવેદન શૂન્યતા આવી ગઈ હતી. આવા મોટા અવરોધને પણ આત્મવિશ્વાસ અને મહેનતથી પાર કરીને ગરિમાબેન સ્વિમર બન્યા અને સ્વિમિંગના ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહ્યા એ બાબત બિરદાવવા લાયક છે. વિકટ પરિસ્થિતિ સામે બાથ ભરીને પ્રાપ્ત કરેલ સફળતા અનેક રમતવીરો માટે પ્રેરક છે. સામાન્ય, નાની-નાની વાતોમાં હિંમત હારી જતા અને હતાશાનો ભોગ બનતા યુવાનો માટે આપનું જીવન પથદર્શક છે.