5 વર્ષ જૂના કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યૂ કરતાં રાહુલની મુશ્કેલી વધી, જાણો મામલો

Rahul Gandhi News : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ઝારખંડની ચાઈબાસા MP-MLA કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને 26 જૂને હાજર રહેવાનો પણ આદેશ આપ્યો હતો.
રાહુલ ગાંધીની આ માગણી ફગાવી
રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ માટે અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને હાજર રહેવા કહ્યું હતું. આ અંગે માહિતી આપતાં એડવોકેટ કેશવ પ્રસાદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ 28 માર્ચ, 2018 ના રોજ કોંગ્રેસ સંમેલનમાં ભાજપ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું. આ અંગે, ભાજપ નેતા પ્રતાપ કુમારે 9 જુલાઈ 2018 ના રોજ ચાઇબાસા સીજેએમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની અરજી દાખલ કરી હતી. હવે કોર્ટે આ અંગે સુનાવણી કર્યા પછી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમને કોર્ટમાં હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
5 વર્ષ જૂનો છે મામલો
રાહુલ ગાંધી સામેનો આ કેસ 5 વર્ષ જૂનો છે. 20 ફેબ્રુઆરી, 2020 ના રોજ, ઝારખંડ હાઈકોર્ટના આદેશ મુજબ કેસને CJM કોર્ટથી રાંચી સ્પેશિયલ કોર્ટ MP-MLA ને સુનાવણી માટે ટ્રાન્સફર કરાયો હતો. જ્યાંથી કેસનો રેકોર્ડ ચાઈબાસા સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં મોકલાયો હતો. આ વાતની નોંધ લેતા, એમપી-એમએલએ કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા, પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા નહીં. સાંસદ-ધારાસભ્ય કોર્ટ દ્વારા જામીનપાત્ર વોરંટ જારી થયા પછી પણ રાહુલ ગાંધી હાજર થયા ન હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલે ઝારખંડ હાઈકોર્ટમાં વોરંટ રોકવા માટે અરજી દાખલ કરી હતી, જેનો નિકાલ 20 માર્ચ, 2024 ના રોજ કરવામાં આવ્યો હતો. ત્યારપછી, રાહુલ ગાંધી વતી ચાઈબાસા MP-MLA કોર્ટમાં ફિજિકલ હાજરીમાંથી મુક્તિ માટે અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી.