આખરે પાકિસ્તાનના PM એ સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નુરખાન એરબેઝને થયું હતું નુકસાન

Operation Sindoor: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. જોકે, પહેલા તો પાકિસ્તાને સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો કે, ભારતના આ હુમલાથી તેને કંઈ નુકસાન થયું છે, પરંતુ બાદમાં પાકિસ્તાથી આવેલા નિવેદનો અને સેનાએ જાહેર કરેલી ફૂટેજથી પાક.ના જૂઠાણાની પોલ ખુલી ગઈ હતી.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કબૂલાત કરી કે, ભારતે પાકિસ્તાન પર મિલાઇલ હુમલા કર્યા હતાં, જેમાં ઘણું નુકસાન થયું છે.
ભારતની બેલેસ્ટિક મિસાઇલે નૂર ખાન એરબેઝ પર કર્યો હુમલો
આ વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, 10 મેની વહેલી સવારે આશરે 2:30 વાગ્યે જનરલ સૈયદ અસીમ મુનિરે મને સિક્યોર લાઇન પર ફોન કર્યો અને જણાવ્યું કે, ભારતની બેલેસ્ટિક મિસાઇલે નૂર ખાન એરબેઝ અને અન્ય વિસ્તારો પર હુમલો કર્યો છે… આપણી વાયુસેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો, આ સિવાય તેમણે ચાઇનીઝ જેટ વિમાનો પર આધુનિક ગેઝેટ અને ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો.
પાકિસ્તાને કર્યો સ્વીકાર
શુક્રવારે પાકિસ્તાન સ્મારક પર આયોજિત એક સમારોહમાં શાહબાઝ શરીફે આ નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા અમીત માલવિયાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનો કૉલ ઓપરેશન સિંદૂરની સટીકતા અને સાહસને દર્શાવે છે. અનેકવાર ઈનકાર બાદ પાકિસ્તાની વડાપ્રધાન શરીફે માન્યું કે, ભારતની મિસાઇલે નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો.