ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો

બોર્ડર સિક્યુરિટી ફોર્સનો વધુ એક જવાન પાકિસ્તાન-ભારત વચ્ચે થયેલા સંઘર્ષમાં શહીદ થયો છે. 9-10 મેની રાત્રે જમ્મુના આરએસ પોરામાં પાકિસ્તાનની સેના દ્વારા થયેલા ક્રોસ-બોર્ડર ગોળીબારમાં બીએસએફનો કોન્સ્ટેબલ દીપક ચિમંગખમ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. તેમણે 11 મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. બીએસએફે શહીદના પરિવાર પ્રત્યે ઊંડી લાગણી વ્યક્ત કરી હતી. સન્માન સાથે પલૌરા ફ્રન્ટિયર મુખ્યાલય જમ્મુમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ક્રોસ બોર્ડર ફાયરિંગમાં સાત શહીદ
25 વર્ષીય દીપક મણીપુરનો રહેવાસી હતો. પહલગામ હુમલા બાદ પાકિસ્તાન દ્વારા વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. આ ગોળીબાર ગત શનિવાર સુધી ચાલ્યો હતો. જેમાં જમ્મુ-કાશ્મીર સરકારના એક વરિષ્ઠ અધિકારી અને બે સુરક્ષાદળના અધિકારી શહીદ થયા હતા. આ સિવાય અન્ય જવાનો સહિત કુલ સાત લોકો શહીદ થયા છે. ગઈકાલે બીએસએફ સબ ઈન્સ્પેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝ પણ શહીદ થયા હતા.
સૂબેદાર મેજર પવન કુમાર શહીદ
રાજૌરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજકુમાર થાપા અને તેમના સ્ટાફના અન્ય બે સભ્યો પણ આ ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ગંભીર રૂપે ઘાયલ થયા હતા. તમામની ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. તેમાં હિમાચલ પ્રદેશના સુબેદાર મેજર પવન કુમાર શહીદ થયા હતા. બીએસએફ જમ્મુએ તમામ શહીદોની રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ પૂર્ણ કરી હતી.