પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવાખોરો, બલૂચિસ્તાનમાં 39 ઠેકાણે કર્યા હુમલા

ભારતના ઓપરેશન સિંદૂર બાદ બલુચિસ્તાન અને પીઓકેમાં પાક. સરકાર અને સેના સામે બળવો ઉગ્ર બનવા લાગ્યો છે
ભારતના ઓપરેશન સિંદૂર બાદ બલુચિસ્તાન અને પીઓકેમાં પાક. સરકાર અને સેના સામે બળવો ઉગ્ર બનવા લાગ્યો છે. સરહદે ભારતીય સેના પાક. સેનાને આક્રામક ફટકાર લગાવી રહી હતી ત્યારે બીજી તરફ ખૈબરમાં બળવાખોરોએ પાક.ના સુરક્ષા દળોની ચેક પોસ્ટ ઉડાવી હતી, જેમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયાના અહેવાલ છે. અન્ય કેટલાક શહેરોમાં પણ આવા હુમલા થયાના અહેવાલો છે. જ્યારે બલુચિસ્તાનમાં હજારો લોકો પાક.થી મૂક્તિ માટે રસ્તા પર ઉતર્યા હતા અને પાક. સેના-સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

બલુચિસ્તાનની રાજધાની કોટામાં હજારગંજી તેમજ ફૈઝાબાદમાં પાકિસ્તાની સેનાની ચોકીઓને બળવાખોરોએ ગ્રેનેડ હુમલાથી ઉડાવી દીધી હતી. જ્યારે પંજગુરના વાશબોદ વિસ્તારમાં ચીન-પાકિસ્તાનના બિઝનેસ કોરિડોરના હાઇવેને બળવાખોરોએ જામ કરી દીધો હતો. હથિયારધારી બળવાખોરોએ હાઇવે બંધ કરીને પાક. પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા. બે પોલીસ વાહનોને જપ્ત કરી લીધા હતા. આ વાહનોમાં જે હથિયારો હતા તેને જપ્ત કરી લીધા હતા. જ્યારે બોનિસ્તાન વિસ્તારની એક ચેકપોસ્ટ પર બળવાખોરોએ કબજો કરી લીધો હતો.
તાજેતરમાં જ હૌશાબ જિલ્લામાં એક મોટો સશસ્ત્ર બળવો થયો હતો, જેમાં બળવાખોરોએ સમગ્ર વિસ્તારનું નિયંત્રણ પોતાના હાથમાં લઇ લીધુ હતું. એનએડીઆર કાર્યાલય અને લેવિજ સ્ટેશનને સળગાવી દીધુ હતું. આ ઉપરાંત એમ૮ પાક.-ચીન બિઝનેસ કોરિડોર હાઇવે પર નાકાબંધી શરૂ કરી દીધી હતી અને 10 બહારના લોકોને બંધક બનાવી લીધા હતા. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાક.માં ૩૯ સ્થળોએ હુમલા કર્યા હતા. બલુચિસ્તાન લિબરેશન આર્મીના પ્રવક્તા ઝિયાંદ બલોચ દ્વારા જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે કુલ 39 સ્થળોએ હુમલા કર્યા છે. જ્યારે બલુચિસ્તાનના પત્રકાર મિર યાર બલોચે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં હજારો બલુચિસ્તાનીઓ રસ્તા પર દેખાયા હતા, આ લોકોએ અલગ બલુચિસ્તાન દેશની સ્થાપનાની માગણી સાથે રેલી કાઢી હતી. જેને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ બલોચિસ્તાન નામ આપ્યું હતું. આ બેનર હેઠળ હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા.