ગિલ, પંત કે રાહુલ નહીં પણ આ દિગ્ગજ હોવો જોઈએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન, કુંબલેની ભલામણ

રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોને બનાવવો જોઈએ

રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોને બનાવવો જોઈએ. સિલેક્ટર્સ પણ આ અંગે વિચારી રહ્યા હશે. શુભમન ગિલ, રિષભ પંત, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહના રૂપમાં ટીમમાં ઘણા દાવેદાર છે, પરંતુ આ લાંબા ફોર્મેટની કમાન કોને સોંપવામાં આવે તે જોવાનું રહેશે. ભારત આગામી મહિને પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ વચ્ચે હવે પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ આ સીરિઝ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર દાવ લગાવ્યો છે. કુંબલેનું કહેવું છે કે, પહેલા માત્ર આ પ્રવાસ માટે બુમરાહને કેપ્ટન બનાવી જુઓ, જો તેની ફિટનેસ સારી રહેશે તો તે આગળ પણ ચાલુ રાખી શકે છે.

કુંબલેએ કહ્યું કે, ‘માત્ર આ સીરિઝ માટે બુમરાહનું કેપ્ટન તરીકે સિલેક્શન કરો અને પછી જુઓ કે તેની ફિટનેસ કેવી છે. મને ખબર છે કે, ફાસ્ટ બોલર હોવું સરળ નથી. તેને ઈજા પહોંચી છે. ઓસ્ટ્રેલિયા સીરિઝ બાદ તે બ્રેક પર હતો અને આ IPLમાં જ તેણે વાપસી કરી છે. પરંતુ હું તેમ છતાં બુમરાહની જ પસંદગી કરીશ.’

ઓસ્ટ્રેલિયામાં ટીમના છેલ્લા પ્રવાસ દરમિયાન બુમરાહને પાંચેય ટેસ્ટમાં સામેલ કરવાના ભારતના પ્રયાસમાં આ ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થયો હતો અને તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો છે. આવી સ્થિતિમાં કુંબલેએ એ પણ સ્વીકાર્યું કે બુમરાહ માટે ઈંગ્લેન્ડ પ્રવાસ પર તમામ પાંચ ટેસ્ટ મેચ રમવું શક્ય નહીં રહેશે. તેથી બુમરાહ માટે સારા કાર્યભાર મેનેજમેન્ટની ખૂબ જરૂર છે. કુંબલેએ આગળ કહ્યું કે, જ્યારે પણ આવી સ્થિતિ આવે ત્યારે વાઈસ  કાર્યભાર સંભાળી લેશે. 

તમને જણાવી દઈએ કે, BCCI આગામી દિવસોમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી શકે છે, આ સાથે ટીમ નવા કેપ્ટનની પણ પસંદગી કરશે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે.